કચ્છ: ફળોની રાણી કેરીનું નામ આવતાં જ મોઢામાં પાણી આવી જતા હોય છે પરંતુ આ વખતે કચ્છી કેસર દાંત ખાટા કરે એવી સ્થિતિ ઉભી થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ વર્ષે હવે ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે. વિશ્વના અનેક ખૂણામાં વસતા લોકો ઉનાળો શરૂ થતાં જ કચ્છી કેસરની રાહ જોતા હોય છે.
15 મેથી કચ્છની કેસર કરી આવશે બજારમાં: છેલ્લાં અનેક વર્ષોથી ખેતી કરી રહેલા પ્રગતિશીલ ખેડૂત હરેશ ઠકકરે જણાવ્યું હતું કે, 'આ વર્ષે કચ્છની કેસર કેરી 15 મેથી બજારમાં આવશે અને લોકો તેનો આનંદ લઇ શકશે. કચ્છની કેસર કેરીનો સ્વાદ જ લાજવાબ હોય છે. કેસર કેરી ખૂબ જ સ્વાદપ્રિય હોય છે અને તેને હાથથી કાપીએ કે ચપ્પુથી કાપીએ તો પણ તેમાંથી રસ નથી ટપકતું પણ તે એટલું જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે.'
4500 હેક્ટરમાં આંશિક નુકસાની: નાયબ બાગાયત નિયામક અધિકારી એમ.એસ.પરસાણિયાએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની ગઈ છે.'
85,000 મેટ્રિક ટન ઉત્પાદનની આશા: કચ્છ જિલ્લામાં થતાં કેરીના વાવેતરમાંથી દર વર્ષે એવરેજ 65,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે ત્યારે આ વર્ષે 85000 મેટ્રિક ટન ઉત્પાદન થવાની આશા બાગાયત અધિકારીએ વ્યક્ત કરી હતી. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે. ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે. હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.
કચ્છની કેસર કેરીની માંગ વધારે: વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે, 'કમોસમી વરસાદ બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો પાક બચ્યો છે તે ખેડૂત આ વર્ષે પૈસાદાર બની જશે કારણ કે જે લોકો પાસે કેરીનો માલ બચ્યો જ નથી તે આ વર્ષે કંઈ નહીં વેંચી શકે અને જેની પાસે માલ બચ્યો છે તે આ વર્ષે કેરીના સારા ભાવ મેળવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવનારનવાર કચ્છની કેસર કેરીની વાત કરતા હોય છે ત્યારે પૂરા વિશ્વમાં કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે અને કચ્છી ખેડૂતો પોતાની આવક બમણી કરી રહ્યા છે.'
આ પણ વાંચો Gujarat mango: પ્રખ્યાત કેસર કેરીનો અજાણ્યો ઇતિહાસ, નામકરણમાં જૂનાગઢના નવાબની ભૂમિકા જાણો
સારો ભાવ મળે તેવી આશા: કેરીની નિકાસ અંગે વાતચીત કરતાં ખેડૂતે જણાવ્યું હતું કે, 'આમ તો સરકાર ખેડૂતો સાથે જોડાયેલ જ છે પરંતુ જ્યારે નિકાસની વાત આવે છે ત્યારે આ વર્ષે પાક પણ ઓછો થશે. ખેડૂતો પણ ઈચ્છે છે કે નિકાસ વખતે કાર્ગો માટે સરકાર ખેડૂતોને સબસિડી આપે તો સરકાર તો સબસિડી આપશે પરંતુ તેનો લાભ વેપારી લઈ લે છે અને સબસિડીનો લાભ ખેડૂતોને નથી મળતો અને વેપારીઓ તેનો લાભ લઈ લે છે. આ વર્ષે કચ્છની કેસર કેરીનો ભાવ પ્રતિ 10 કિલો 700થી 1200 રૂપિયા મળે તેવી આશા છે. ઉપરાંત કચ્છની કેસર કેરીનો સ્વાદ જ એવો હોય છે કે આટલા ભાવમાં તો વેંચાણ આરામથી થઈ જશે.
આ પણ વાંચો Gujarat mango : વલસાડના ખેડૂતે કરી કમાલ, ઓર્ગેનિક ખેતી પદ્ધતિથી મેળવ્યું હાફુસનું બમ્પર ઉત્પાદન