કચ્છ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો અત્યારથી જ કરવા લાગ્યા છે.તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓના મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.
અબડાસા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી કચ્છ વિધાનસભા બેઠક સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 સીટો છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે. અબડાસા વિધાનસભા (Abdasa Assembly Seat) બેઠકના મતદારો કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે અબડાસા મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 2,50,644 મતદારો છે જે પૈકી 1,29,014 પુરુષ મતદારો છે જ્યારે 1,21,630 મહિલા મતદારો અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
અબડાસા વિધાનસભા બેઠક જાતિ સમીકરણ કચ્છની અબડાસા વિધાનસભા બેઠકમાં (Abdasa Assembly Seat) મુસ્લીમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે.ઉપરાંત રબારી, કોલી તેમજ ભાનુશાલી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે.અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે. તાલુકા અંગે માહિતી અબડાસા દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. નલિયા આ તાલુકાનું મુખ્ય મથક છે.અબડાસા તાલુકામાં જખૌ બંદર આવેલું છે જ્યાં ગુજરાતના જુદાં જુદા જિલ્લામાંથી માછીમારો માછીમારી કરવા માટે આવતા હોય છે.ઉપરાંત સૌથી વધારે ઠંડી આ તાલુકા પડતી હોય છે.
અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2012માં અબડાસા વિધાનસભા બેઠક (Abdasa Assembly Seat)માટે કુલ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં અબડાસા મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 1,95,125 મતદારો પૈકી કુલ 1,43,507 મતદારોએ મત આપ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર છબીલ પટેલને 60,704 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર સ્વ.જયંતીલાલ ભાનુશાલીને 53,091 મત મળ્યાં હતાં. છબીલ પટેલ 60,704 મત મેળવી વિજેતા બન્યા હતા. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના વિજય બાદ લોકસભા ચૂંટણી પૂર્વે ધારાસભ્ય છબીલ પટેલ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સામે જ ભાજપમાંથી લડેલા છબીલ પટેલ 764 મતથી ચૂંટણી હારી ગયા હતાં.
વર્ષ 2017માં અબડાસા વિધાનસભા બેઠક માટે કુલ 11 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અબડાસા મતવિસ્તારની (Abdasa Assembly Seat)વિધાનસભા બેઠક માટે 2,23,705 મતદારો પૈકી કુલ 1,50,261 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 3251 મત NOTA ને મળ્યા હતાં અને 979 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર જાડેજા પ્રદ્યુમનસિંહને (Pradumansinh Jadeja Seat) 73,312 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને 63,566 મત મળ્યા હતાં. આમ પ્રદ્યુમનસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજા 9746 મતથી વિજેતા બન્યા હતાં.
2020ની પેટા ચૂંંટણીમાં કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે (Pradumansinh Jadeja Seat) વર્ષ 2020માં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. સીટ ખાલી થતા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમણે ભાજપનો કેસરિયો ધારણ કરીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અને કૉંગ્રેસના ડૉ.શાંતિલાલ સેંઘાણીને માત આપીને જીત મેળવી હતી. આ એવી બેઠક છે કે જેમાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો નીમાબેન આચાર્ય, છબીલ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતાં.
અબડાસા વિધાનસભા બેઠકની ખાસિયતો આ બેઠક પર ખેતી, પશુપાલન, ખેતમજૂરી મુખ્ય વ્યવસાય છે.આ તાલુકામાં ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. જ્યારે જોવાલાયક સ્થળો ઘોરાડ અભયારણ્ય આ બેઠકમાં આવે છે. એક સમયે સમગ્ર ભારતમાં ફેલાયેલા પક્ષી ઘોરાડના છેલ્લા બચેલા નિવાસ સ્થાનોમાંના એક વિસ્તાર તરીકે જાણીતો બનેલો છે. યાત્રાધામોની વાત કરીએ તો અબડાસા (Abdasa Assembly Seat)તાલુકો જૈન ધર્મના મહત્વના યાત્રાધામોનો સમાવેશ કરે છે, જે પાંચ ગામો જખૌ, નલિયા, તેરા, કોઠારા અને સુથરીમાં આવેલા છે. આ પાંચ ગામોનો સમૂહ અબડાસાના પંચતીર્થ તરીકે ઓળખાય છે.
અબડાસાનું નામ પણ તેની વિશેષતા છે. અબડાસા નામ રાજપૂત શુરવીર અબડા અડભંગનાં નામ પરથી પડ્યું છે. લોકવાયકા પ્રમાણે અબડા અભડંગે માથું વઢાઈ જતાં 72 દિવસ સુધી ફક્ત ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતાનું બલિદાન આપ્યું હતું. આ શુરવીરની ભૂમિ, અબડાની ભૂમિને, અબડાસા (Abdasa Assembly Seat)તરીકે ઓળખવામાં આવે છે. અન્ય એક વાયકા પ્રમાણે અબડાસા નામ ત્યાંના રાજા 'જામ અબડા' પરથી પડ્યું હોવાનું કહેવાય છે.
અબડાસા વિધાનસભા બેઠક પર નવું પરિમાણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટેના મુદ્દાઓ, સમસ્યાઓની વાત કરીએ તો અબડાસાની વિધાનસભા સીટ (Abdasa Assembly Seat)શરૂઆતથી જ કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી બેઠક રહી છે. જોકે, હવે કોંગ્રેસના ગઢને તોડી હાલ ભાજપ આ બેઠક પર શાસન કરી રહ્યું છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ નંબરની આ બેઠક મહત્વની છે. કારણે આ વખતે બે નવી પાર્ટીઓ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આ સ્થિતિમાં જો અબડાસાની વોટબેંક પર નજર કરીએ તો આ બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા સૌથી વધુ છે. બે નવી પાર્ટીના આગમનથી આ બેઠકના મુસ્લિમ અને પાટીદાર મતદારો વિભાજીત થઇને નવા સમીકરણો રચી શકે છે.
અબડાસા વિધાનસભા બેઠક પર માગણીઓ આ મતવિસ્તારમાં આવતા પ્રાચીન મંદિરોને પ્રવાસધામમાં સમાવિષ્ટ કરવાની માગણી રહી છે. તો આ બેઠક વિસ્તારમાં વરસાદી પાણીના વહેણની સમસ્યા છે જેના લીધે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બને છે. જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવો અનિવાર્ય છે. જનતા રખડતા ઢોર, પાણી જેવી ઘણી સમસ્યાઓને લઇ પરેશાન થઇ રહી છે. ઉપરાંત જૂના રસ્તાઓ, પુલોનું નવીનીકરણ થાય અને ફરીથી નિર્માણ પામે તેવી માંગ પણ અનેક વાર ઉઠી છે. તો અબડાસા તાલુકામાં (Abdasa Assembly Seat) આવેલાં પ્રાચીન મંદિરોને પ્રવાસધામમાં સમાવિષ્ટ કરવામાં આવે તેમજ તેનું પુનહનિર્માણ કરવામાં આવે તેવી માંગ પણ છે. તો આગામી સમયમાં રખડતા ઢોર, પાણીની સમસ્યા, ખેડૂતોના પ્રશ્નો, રોડ રસ્તા, પવનચક્કી સહિતના ઘણા પ્રશ્નો 2022ની ચૂંટણી અંગેના મુદ્દાઓ બની શકે છે.