કચ્છઃ સીબીઆઇએ ગાંધીધામ સ્થિત સીજીએસટીના મદદનીશ કમિશનર મહેશ ચૌધરી અને તેમની પત્ની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના આરોપમાં ગુનો નોંધ્યો છે. મદદનીશ કમિશનરે 2017થી 2021 દરમિયાન ફરજના 4 વર્ષના સમયગાળામાં સત્તાવાર આવકની તુલનાએ 74 ટકાથી વધુ અપ્રમાણસર સ્થાવર અને જંગમ મિલકત એકઠી કરી હોવાનો CBIએ ગુનો દાખલ કર્યો છે.
ઘરેણા મળી આવ્યા: સીબીઆઇ દ્વારા હાથ ધરાયેલી દરોડાની કાર્યવાહી દરમિયાન સીબીઆઈના અધિકારીઓને સીજીએસટી મદદનીશ કમિશનર મહેશ ચૌધરીના અમદાવાદના બોડકદેવમાં આવેલા ઈસ્ટ ઈબોનીની ડી-વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાંથી રુપિયા 42 લાખ રોકડ અને એક કરોડની ઘડિયાળ અને ઘરેણા મળી આવ્યા હતા. સી.બી.આઇ.ની ટીમે ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી હતી. અમદાવાદ ખાતે ગાંધીધામ સી.જી.એસ.ટી.ના સહાયક કમિશનરના ઘરે થયેલી કાર્યવાહી દરમ્યાન મિલકત સંબધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.તેમના ઘરે સી.બી.આઇ.એ કાર્યવાહી જારી રાખી હતી.
આ પણ વાંચો G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા
અપ્રમાણસર મિલકત: સીબીઆઇ દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન લાખોની અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે. તેમના પર આરોપ છે કે આરોપીઓએ 2017થી 2021 દરમિયાન તપાસના સમયગાળા દરમિયાન જંગી રકમ રોકડ, બેંક બેલેન્સ, જંગમ અને સ્થાવર મિલકતો પોતાનાં નામે અને પરિવારના સભ્યોનાં નામે કરી હતી, જે લગભગ રૂપિયા 3,71,12,499 થઇ જાય છે. જેમાંથી લગભગ 74 ટકા અપ્રમાણસર થાય છે. સીબીઆઇએ પતિ-પત્ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર હજુ પણ તેમના અન્ય સ્થળોએ આવેલા રહેઠાણોમાં શોધખોળ ચાલુ છે.
કોણ છે મહેશ ચૌધરીઃ મહેશ ચૌધરી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી છે. સીબીઆઈની ટીમે એના અમદાવાદમાં આવેલા એક ફ્લેટમાં સર્ચ ઑપરેશન કર્યું હતું. જેની કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા હોવાનું મનાય રહ્યું છેે. અમદાવાદ ઉપરાંત તે બાડમેરમાં પણ મોટી મિલકત ધરાવે છે. તે આ પહેલા કસ્ટમ એક્સાઈઝમાં ફરજ અદા કરતો હતો. પણ એક્સાઈઝ વિભાગ બંધ થઈ જતા મહેશ ચૌધરીનું પોસ્ટિંગ સીજીએસટી વિભાગમાં થયું હતું. ટેક્સ ચોરી કરતા વેપારીઓની તરફેણ કરવા માટે મહેશ ખોટી રીતે પૈસા લેતો હતો. હવે કેટલા વેપારીઓ પાસેથી પૈસા ખંખેર્યા છે એ અંગે પણ તપાસ ચાલું છે. આ ઉપરાંત એના ઘરમાંથી ફોરેન કરંસી પણ મળી આવી હતી. એમની પત્ની વિરૂદ્ધ પણ 8 ફેબ્રુઆરીના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. એ તપાસમાં 3 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.
આ પણ વાંચો Kutch News : નગરપાલિકાના પ્રમુખ પર શાહી ફેંકાતા મચી ચકચાર
અધિકારી થોડા સમયમાં સ્વૈચ્છિક નિવૃત્ત થવાના હતા અને એ માટે અરજી પણ આપી દીધી હતી. તેઓ કોઇ રાજકીય પક્ષમાં જોડાવાના હતા. શહેરની સી.જી.એસ.ટી.ની કચેરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સહાયક કમિશનર તરીકે કામ કરી રહ્યા હતા અને અમદાવાદની કચેરીએ કામ સંભાળતા હતા. સી.બી.આઇ.એ કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે વધુ વિગતો ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે--સી.જી.એસ.ટીના કમિશનર આનંદકુમારે (ટેલીફોનીક વાતચીતના આધારે)