કચ્છ : પ્રવાસન મંત્રાલય દ્વારા આજથી 9મી ફેબ્રુઆરી સુધી કચ્છના રણ ખાતે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં 20 દેશો અને 7 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 100થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે. જેમની માટે પ્રવાસન મંત્રાલય અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મનોરંજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે ત્રણેય દિવસ ડેલિગેટ્સને કચ્છના ખુલ્લા આકાશનું દર્શન કરાવવામાં આવશે.
વિદેશી પ્રવાસીઓ થશે પ્રભાવિત : ભુજની સંસ્થા દ્વારા એક મહત્વની પહેલ કરવામાં આવી છે. કચ્છ ખાતે આવેલી સ્ટારગેઝિંગ સંસ્થા દ્વારા વિવિધ દેશથી પધારેલા વિદેશી મહેમાનોને કચ્છના સફેદ રણમાં કે જ્યાં કોઈ પણ જાતનું માનવીય બાંધકામ કે કોઈ પણ જાતનું નડતર નથી. તેવા સ્થળેથી 360 ડિગ્રી ખુલ્લા આકાશનું ટેલિસ્કોપના માધ્યમથી દર્શન કરાવવામાં આવશે. આ સંસ્થા દ્વારા ઉલ્કા વર્ષા, ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણને લઈને લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા સામે પણ ખગોળવિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
સંસ્થા દ્વારા આપવામાં આવે છે અંતરિક્ષ મુદ્દે જ્ઞાન : સરહદી જિલ્લા કચ્છના લોકો દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અંતરિક્ષ અંગે કચ્છના લોકો પણ માહિતગાર થઈ રહ્યા છે. આ સાથે, કચ્છમાં ધીમે ધીમે ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ અંગે તેનો શ્રેય કચ્છની સ્ટારગેઝિંગ સંસ્થાને જાય છે. કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર દ્વારા સ્થપાયેલી આ સંસ્થા દ્વારા લોકોને અંતરિક્ષ મુદ્દે માહિતગાર કરવામાં આવે છે. તેમના દ્વારા વિવિધ કેમ્પ યોજી આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ કરાવામાં આવે છે.
આ પણ વાંચો : G20 Summit in Gujarat : કચ્છના રણમાં આ તારીખે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ, રોજગારી અને પ્રવાસન વધારવા ચર્ચા
સફેદ રણમાં 360 ડિગ્રી વ્યુ મળશે : સંસ્થાના નિશાંત ગોરે જણાવ્યું હતું કે, કચ્છનું આકાશ છે તે કોઈ પણ જાતના અવરોધ વગરનું એકદમ ખુલ્લું આકાશ છે અને 360 ડિગ્રી વ્યું પણ અહીં જોવા મળે છે. વિદેશી ડેલિગેટ્સને કચ્છના આકાશની સુંદરતા, તારાઓ, આકાશ ગંગા અને સ્ટાર ટ્રેલ બતાવવામાં આવશે. વિદેશી પ્રવાસીઓ ચોક્કસથી કચ્છના આ સફેદ રણમાં કચ્છના આકાશનું અદભૂત દ્રશ્ય જોઈને પ્રભાવિત થશે.
આ પણ વાંચો : G20 Meeting 2023 in Kutch : G-20ના સભ્યોનું ભુજ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત, સફેદ રણમાં કચ્છી ભોજન આરોગશે
રણોત્સવ દરમિયાન આકાશ દર્શન : ઉલ્લેખનીય છે કે, સ્ટારગેઝિંગ સંસ્થા દ્વારા સોસાયટીઓ અને મોટા સમૂહો માટે પણ આકાશ દર્શનના કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ આકાશ દર્શન કરાવી તેના મુદ્દે માહિતી આપવામાં આવે છે. આ સાથે જ દર વર્ષે કચ્છના સફેદ રણ ખાતે યોજાતા રણોત્સવમાં પણ કેમ્પ યોજી દેશ વિદેશના પ્રવાસીઓને આકાશ દર્શન કરાવવામાં આવે છે.