કચ્છઃ જિલ્લામાં આજે બુધવારે નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો કેટલાંક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથેના વરસાદથી પાણી ભરાઈ ગયું હતું.
બપોરે આકરી ગરમી વચ્ચે સાડા ત્રણ વાગ્યા પછી અચાનક વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો. ઝડપી પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શરૂઆત થયા બાદ ધીમેધીમે પવનની ઝડપ પણ વધી હતી અને જોતજોતામાં વરસાદનું આગમન થયુ હતું.
થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદનું પાણી પણ વધુ ઠંડુ અનુભવાયું હતું. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. ભૂજના વડઝર નજીક વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ભૂજના હવામાન અધિકારી રાકેશ કુમારના જણાવ્યા પ્રમાણે, નિસર્ગ વાવાઝોડાની અસર તળે વાતાવરણમાં ફેરફાય આવ્યો છે. સંભાવના મુજબ 3 અને 4 તારીખે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ઝાપટા વરસવાની શકયતા જોવા મળી હતી. હજુ બે દિવસ મધ્યમ વરસાદ, ગાજવીજ અને પવનની ગતિ વધુ રહેશે તેવી સંભાવના છે.
આ દરમિયાન ભારે પવનને પગલે વિવિધ વિસ્તારોમાં ઝાડની ડાળખીઓ તુટી જવી, હોર્ડિંગ્સ પડ઼ી જવાના બનાવો નોંધાયા છે. ભૂજના માધાપરની ગોકુલધામ કોલોનીનું મોટું બોર્ડ તુટી પડયું હતું. તો ભૂજના ખાવડા રોડ પર ભારેખમ સાઈન બોર્ડ તૂટી પડતા નીચે એક કારમાં નુકસાન થયું હતું. જો કે, કોઈ જાનહાની થઈ નથી.