કચ્છ સમંડા ગામમાં વન્યપ્રાણીનો શિકાર થયો હોવાની કથિત ઘટના બહાર આવી છે. ત્યારે ગામજનોના રોષ વચ્ચે વન વિભાગની તપાસ શરુ ગઇ છે. મામલાની વિગત કચ્છના નલિયા તાલુકાના વમોટી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સમંડા ગામની સીમમાં વન્યપ્રાણીનોનો શિકાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેથી આસપાસના જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. બનાવની જાણ થતા વન વિભાગની ટુકડી પણ આજે સવારે ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે, પશુનો મૃતદેહ ન મળ્યો પણ લોહીના અવશેષ જોવા મળતા તેના નમૂના લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ વન્યપ્રાણી હરણ છે કે કેમ તેની ફોરેન્સિક તપાસના રિપોર્ટ બાદ હકીકત સામે આવશે.
સોશિયલ મીડિયામાં હરણની હત્યા કરાઈ હોવાનું વહેતું થયું મળતી પ્રાથમિક માહિતી મુજબ પશ્ચિમ કચ્છમાં શિકારી પ્રવૃત્તિઓ ફરી સામે આવી રહી છે. ચીંકારા અભયારણ્યમાં રક્ષિત વન્યપ્રાણીનો શિકાર કરાયો હોવાનું પ્રકાશમાં આવતાં સમગ્ર અબડાસા પંથકમાં ચકચાર મચી ગઈ છે. અબડાસા અને નખત્રાણા તાલુકાને જોડતા વમોટી ગામ સમીપે ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. સમંડાના રક્ષિત અભ્યારણમાં બંદૂકના ધડાકા સંભળાયા હતા. જેના પગલે ગ્રામજનો દોડી આવ્યા હતાં. ગ્રામજનોનું માનવું છે કે આ પ્રાણી રક્ષિત વન્યપ્રાણી ચિંકારા હોઇ શકે છે. સમી સાંજે બનેલી આ ઘટનામાં ગ્રામજનોને આવતા જોઈ શિકારી ટોળકી પોતાની બ્લેક કલરની જીપ લઈને નાસી છૂટી હતી. બંદૂકના ભડાકે હરણની હત્યા કરાઈ હોવાનું સોશિયલ મીડિયામાં બહાર આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ હતી.
આ પણ વાંચો એવું તો શું બની રહ્યું છે કે, હરણના થઇ રહ્યા છે અચાનક મોત
વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી ગામલોકોના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેમણે સમંડાની સીમમાં બંદૂકના ભડાકા સંભળાયા હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોનો અવાજ સાંભળીને દોડી જતા શિકારી ટોળકી પોતાના શિકાર કરેલા હરણને પોતાની કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં લઈને નાસી છૂટ્યા હતા. તત્કાલ જ તેમણે નલિયા વન વિભાગને બનાવની જાણ કરી દીધી હતી. વનવિભાગની ટીમ દ્વારા આજે બપોરે 11 વાગ્યાની આસપાસ બનાવના સ્થળે પહોંચી હતી.
ગ્રામજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ સમંડાની સીમમાં મૃત પ્રાણીના લોહી સહિતના પુરાવા વન વિભાગ દ્વારા એકત્રિત કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સમંડાની સીમમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે. અહીં હરણ, સસલા, નીલગાય, રોઝ વગેરે પ્રાણીઓ મળી આવે છે. સમંડા વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવેલી છે. લાંબા સમય બાદ શિકારીઓ સક્રિય થતા ગ્રામજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી.
આ પણ વાંચો ચૌસિંગા નામના હરણની પ્રજાતિનું પહેલી વાર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે સોફ્ટ રીલીઝ કરવામાં આવ્યું
એફએસએલની સાથે વેટરનરી ડોક્ટર પણ તપાસમાં નલિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અજયસિંહ સોલંકીએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી લોહી મળી આવ્યું છે, જેને પુરાવા સ્વરૂપે એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ લોહીના નમૂનાને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જો લોહીના પરિક્ષણમાં તે કોઈ વન્યપ્રાણીનું રક્ત હોવાનું બહાર આવશે તો આગળની કડીઓ જોડી તપાસ કરવામાં આવશે. એફએસએલની સાથે વેટરનરી ડોક્ટરને પણ આ તપાસમાં જોડવામાં આવશે. હાલ નજરે જોનાર સાક્ષીઓએ એક કાળા કલરની સ્કોર્પીયો ગાડી અંગે નંબર સહિતની વિગતો આપી છે. આ વાત સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. લોકો હરણને ચિંકારા સમજી રહ્યા છે. વન્ય પ્રાણીનું મૃતદેહ ન હોતા રિપોર્ટની પ્રક્રિયા શરૂ કરાઇ છે. જો રક્ત પરીક્ષણમાં વન્ય પ્રાણીનું શિકાર કરાયાનું ફલિત થશે તો આગળની તપાસ હાથ ધરવામાં આવશે. કડીઓના આધારે જો વન્ય પ્રાણીનો શિકાર થયા હોવાનું જણાશે તો એ આધારિત ગુનો દાખલ કરવામાં આવશે.
ચિંકારા પણ રક્ષિત પ્રાણી તરીકે શિડ્યુઅલ-1 માં ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં વન્યપ્રાણીઓ અને રાષ્ટ્રીય પક્ષી મોર વગેરેના શિકારની પ્રવૃત્તિઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. કચ્છમાં અંત્યત દુર્લભ ગણાતા વન્યપ્રાણીઓ અને પક્ષીઓની ઝડપભેર સંખ્યા ઘટી રહી છે. ચિંકારા પણ રક્ષિત પ્રાણી તરીકે શિડ્યુઅલ 1માં સમાવિષ્ટ થાય છે. તેમ છતાં કચ્છમાં ચિંકારા, હરણ, નીલગાય, સસલાના શિકારની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. નિર્દોષ જીવોનો મિજબાની માટે શિકાર કરતી ટોળકીને ઝડપભેર પકડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ગ્રામજનોએ કરી હતી.