ભુજઃ કચ્છમાં ભારે વરસાદને પગલે તળાવો અને ડેમમાં વ્યાપક નુકસાન બાદ હવે તંત્ર આ તળાવો અને ડેમના મરામત માટેની કામગીરી હાથ ધરવા અંગે વિચારણા ચાલી રહી છે. જોકે, સિંચાઈ માટે પાણી આપવા માટેની કામગીરી પણ ચાલી રહી છે.
કચ્છમાં જિલ્લા પંચાયત હસ્તક 170 નાની સિંચાઇ યોજનાના ડેમ અને 1700 જેટલા તળાવો આવેલા છે. કચ્છમાં આ વર્ષ 275 ટકા વરસાદને પગલે આ તમામ તળાવ અને ડેમમાં નવા નીર આવવા સાથે ઓવરફ્લો થઈ ગયા છે. આ ભારે વરસાદને પગલે કચ્છના 116 તળાવ 22 નાની સિંચાઇના ડેમને નુકસાન પહોંચવાના પ્રાથમિક અહેવાલો સામે આવી રહ્યા છે. તમામ ડેમમાં હાલ કામ માટે નુકસાની અને મરામત અંગે વિચારણા ચાલી રહી છે.
કચ્છ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના એન્જિનિયર સી એફ ગઢવીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે ડેમ અને તળાવોમાં નુકસાન પહોંચ્યું છે અને તેનો સર્વે ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં નુકસાની અને મરામતના અંદાજો મેળવાયા પછી સરકાર સમક્ષ તેના અહેવાલ સોંપીને કામગીરી આદરી દેવાશે. હાલ અન્ય તળાવ અને ડેમમાં જે પાણી ભરાયા તેમાંથી સિંચાઈ માટેના પાણી આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.