- કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો
- અતિગુપ્ત અને સંવેદનશીલ માહીતી પોતાના મોબાઇલ મારફતે પાકિસ્તાનમાં મોકલતો
- જવાન માહિતી આપવાના બદલામાં મેળવતો હતો પૈસા
કચ્છ : સીમાની જાસૂસી કરતાં BSFના જવાનને ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ATSના (Gujarat ATS) અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી બાતમી મળી હતી કે સજ્જાદ સન ઓફ મોહર્મદ ઇમ્તીયાઝ કે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને હાલમાં BSF બટાલીયન 74 માં A કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે. તે BSFની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દેશ પાકિસ્તાનમાં મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી કરી રહ્યો હતો. આ બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જવાન પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી કરતો
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે બાતમી અંગે ATSના SP ઇમ્તીયાઝ શેખ, નાયબ પોલીસ અધિક્ષક બલવંતસીંહ ચાવડા તથા પોલીસ ઇન્સ્પેકટર વી.બી.પટેલે ગુપ્ત તપાસ કરતા આ સજ્જાદ વર્ષ 2012 માં BSF માં કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ જુલાઇ/2021 થી ગાંધીધામ ખાતે બટાલીયન 74 ની “એ” કંપનીમાં ફરજ બજાવે છે.
જુદાં જુદાં ID પ્રુફમાં જુદી જુદી જન્મતારીખ
આરોપીના મોબાઇલ નંબર 9682323903નુ કેફ મંગાવી ખરાઇ કરતા તે તેના નામે જ છે અને જેમા તેણે ID પ્રુફ તરીકે તેનુ આધાર કાર્ડ આપેલું હતું, જેમા તેની જન્મ તારીખ 01/01/1992 ની દર્શાવેલી હતી. આરોપીએ R.P.O. જમ્મુ ખાતેથી તેના નામનો ભારતીય પાસપોર્ટ નંબર H-9358314 નો કઢાવેલો હતો, જેમા તેણે જન્મ તારીખ અંગે એફીડેવીટ કરેલી હતી. જેમા તેણે તેની જન્મ તારીખ 30/01/1985 દર્શાવેલ હતી, તેવું ATS ગુજરાતના Dysp બી એચ ચાવડાએ જણાવ્યું હતું.
પાસપોર્ટ દ્વારા અટારીથી પાકિસ્તાન કરી હતી મુસાફરી
આ પાસપોર્ટ દ્વારા તેણે તારીખ 01/12/2021 ના રોજ અટારી રેલ્વે સ્ટેશનથી સમજૌતા એક્સપ્રેસ દ્વારા પાકિસ્તાનની મુસાફરી કરેલી હતી. પાકીસ્તાન ખાતે તારીખ 01/12/2011 થી 16/01/2012 સુધી 46 દિવસ રોકાયેલો હતો. આરોપી બીજો ફોન નંબર 96227 68301 નો પણ વાપરતો હતો. જેનો CDR જોતા તે ફોનમાં વપરાતું હતું તેના IMEI જોતા તારીખ 14-15/01/2021 દરમિયાન આ ફોનમાં 82599 41669 નું કાર્ડ વપરાયેલુ હતું.
જુદાં જુદાં સિમકાર્ડ હતાં એક્ટિવ
આ સીમ સત્યગોપાલ ધોષ રહે. ઇન્દ્રનગર, ત્રિપુરાના નામે નોંધાયેલ હતુ, જેનો CDR જોતા આ સીમકાર્ડ તારીખ 07/11/2020 ના રોજ એક્ટીવ થયેલું હતુ. આ ઉપરાંત, તેમા કંપનીના 2 કોલ આવેલા હતા. તે તારીખ 07-08-09/11/2020 દરમિયાન ઉપરોક્ત ફોનમાં એક્ટીવ હતું. તારીખ 10/11/2020 થી 25/12/2020 સુધી બંધ હતું. અને 26/12/2020 થી એક્ટીવ થયેલું હતું.
વોટ્સએપથી માહિતી પૂરી પાડતો અને બદલામાં પૈસા મેળવતો
તારીખ 15/01/2021 ના રોજ આ સીમ એક્ટીવ થયેલું અને તેમા 12:38:51 વાગે એક SMS પડેલો, જે વોટ્સએપનો OTP આવેલાનું જણાયેલું અને ત્યારબાદથી આ ફોન બંધ છે. આમ આરોપીએ આ ફોન ઉપર OTP મેળવી પાકીસ્તાનમા આ OTP મોકલી વોટ્સએપ ચાલુ કરાવી તેના ઉપર ગુપ્ત માહીતી પોહચાડતો હતો. આ નંબર પર હાલમાં પણ વોટ્સસેપ ચાલુ છે. તે પાકિસ્તાનમાં કોઇ શખ્સ વાપરે છે અને સજ્જાદ સાથે સંપર્કમા હતો. આ સજ્જાદ ગુપ્ત માહીતી બદલ તેના ભાઇ વાજીદ તથા તેની સાથે નોકરી કરતા મિત્ર ઇકબાલ રશીદના ખાતામા પૈસા જમા કરાવી મેળવતો હતો.
ભુજ BSF સ્ટેશન હેડ ક્વાર્ટરમાંથી ઝડપી પાડવામાં આવ્યો
અધિકારીઓએ આજ રોજ ભુજ BSF સ્ટેશન હેડ ક્વાર્ટરમાં જઈને આરોપીને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી કુલ બે મોબાઇલ સીમકાર્ડ સાથેના તથા વધારાના 2 સીમકાર્ડ મળી આવેલા જે અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.