કચ્છ: ભુજ શહેરમાં વરસાદ બાદ મોટા ભાગના માર્ગો પર નાના મોટા ખાડા પડી ગયા છે. વહીવટી તંત્ર દ્વારા મુખ્ય માર્ગો પરના મોટા ખાડાઓ પૂરી નાખવામાં આવ્યા છે પરંતુ શહેરના અન્ય જાહેર માર્ગો પર અનેક ખાડાઓ જોવા મળી રહ્યા છે. આ ખાડાના કારણે ક્યારેક અકસ્માત પણ સર્જાતો હોય છે. શહેરમાં રહેલા ખાડાઓ દૂર કરવા માટે શહેરના સેવાભાવી રીક્ષા ચાલક હાજી લંઘા આગળ આવ્યા છે અને માત્ર માનવ સેવાના આશયથી તેઓ મિત્રોના સાથ સહકાર સાથે ખાડાઓ પર ડામર પાથરવાનું કામ કરી રહ્યા છે.
કઈ રીતે આવ્યો વિચાર: ભુજના લાલ ટેકરી નજીક ખાડા ભરવા આવેલા હાજીભાઈએ ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, " છેલ્લાં 30 વર્ષોથી તેઓ વિદ્યાર્થીઓને શાળામાં લેવા મૂકવાનું કામ કરી રહ્યા છે. ત્યારે એક વખત તેમણે ખાડાના કારણે એક મહિલાને પડતા જોયા હતા અને એમને વિચાર આવ્યો હતું કે ખાડાના કારણે નાના અકસ્માતના કારણે ક્યારેક મોટું નુકસાન પણ થઈ શકે છે ત્યારે આ ખાડા ઝડપથી પૂરવા જોઈએ આવા વિચાર સાથે ખાડા પૂરવાનું શરૂ કર્યું હતું."
" ભુજની સેંટ ઝેવિયર્સ સ્કૂલ પાસે ઘણા સમયથી પડતર હાલતમાં ડામર પડેલો છે, તેમાંથી થોડો ડામર તોડી તોડીને રિક્ષામાં ભરી ભુજ શહેરના જુદાં જુદાં સ્થળે જ્યાં જ્યાં ખાડા દેખાય તે જગ્યાએ ખાડાઓમાં ડામર પાથરી ખાડા પૂરવામાં આવી રહ્યા છે. હાલમાં હાજીભાઈ દરરોજ સવારે 8થી 9 વાગ્યા દરમિયાન તેમના સાથી રીક્ષા ચાલકો સાથે પડતર ડામર રિક્ષામાં લાવી શહેરના વિવિધ માર્ગો પર પહોંચી ખાડાઓ પૂરી રહ્યા છે." - હાજી દાઉદભાઈ લંઘા, સેવાભાવી રીક્ષા ચાલક
રીક્ષામાં સુવિધાઓ: હાજીભાઈ પોતાની રીક્ષામાં છેલ્લા 30 વર્ષથી પ્રાથમિક સારવારની કીટ પણ રાખે છે. જેથી કરીને જ્યાંથી પણ અકસ્માતના સમચાર તેમને મળે ત્યારે તેઓ ત્યાં પહોંચીને તેમને પ્રાથમિક સારવાર આપી શકે. સાથે જ પાણીનું કૂલર પણ તેઓ પોતાની રીક્ષામાં સાથે રાખે છે. હાલના મોંઘવારીના સમયમાં 1 લીટર પાણીની બોટલ 20 રૂપિયા ખર્ચવામાં પણ મુશ્કેલી આવી રહી છે ત્યારે લોકોને તેઓ ફ્રીમાં પાણી પીવડાવે છે."
સમયનો સદુપયોગ: હાજીભાઈ આ કાર્ય વહીવટીતંત્રની વિરૂધ્ધમાં કે તંત્ર નથી કરતું એટલે કરી રહ્યા છે તેવું નથી. પરંતુ સવારના સમયમાં તેઓ નવરાશના સમયે સમયનો બગાડ કરવાની જગ્યાએ આવા સેવાકીય કાર્યમાં કરી રહ્યા છે. સાથે જ હોસ્પિટલ જતાં સમયે દર્દીઓને પણ ખાડાના કારણે પીડા ન વેઠવી પડે તેનું ધ્યાન પણ તેઓ રાખી રહ્યા છે."