કચ્છ: ભુજ ખાતે કચ્છની અસ્મિતા અને કચ્છીયત થીમ પર આઇકોનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ જેવા લાગતાં આ બસ પોર્ટ પર આધુનિક સુવિધાઓ ધરાવતી લિફ્ટ, એક્સેલેટર અને 250 જેટલી નાની મોટી દુકાનો પણ ઊભી કરવામાં આવી છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બસ પોર્ટ માટે વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કર્યું હતું. બસ પોર્ટ ખુલ્લું મુકાતા ETV ભારતે મુસાફરોના અનુભવો જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
ભુજના 3 બસ સ્ટેશનની સફર જોઈ હાલનું સર્વશ્રેષ્ઠ- મુસાફર : બસમાં અનેક વર્ષોથી મુસાફરી કરતાં કનુભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, ભુજમાં જ્યારે અગાઉ વાણિયાવાડ વિસ્તારમાં સૌ પ્રથમ બસ સ્ટેશન હતું ત્યારથી તેઓ મુસાફરી કરી રહ્યા છે. ત્યાર બાદ 1961માં બનેલા નવા બસ સ્ટેશન પરથી પણ તેઓએ અનેકવાર મુસાફરી કરી છે અને જોબમાં સમયે અપ ડાઉન પણ બસમાં કર્યું છે. પરંતુ આજે નવા બનેલા પોર્ટને જોઈને એવું લાગે છે કે આ ભુજનું બસ પોર્ટ નથી. ભુજના આ બસ પોર્ટ જોઈને આશ્ચર્ય પણ થઈ રહ્યું છે. ખૂબ જ સારું અને સુઘડ છે. સુવિધાઓ પણ સારી ઊભી કરવામાં આવી છે.
'ભુજનું બસ પોર્ટ ખૂબ જ સારું બનાવવામાં આવ્યું છે લાગી જ નથી રહ્યું કે આ ભુજનું બસ પોર્ટ છે. કોઈ એરપોર્ટ પર આવ્યા હોઈએ તેવો અનુભવ થાય છે. જે કોઈ પણ મેનેજમેન્ટ કે ટીમ આ બસ પોર્ટ પાછળ કાર્યરત છે તેમને અને જનતાને એક જ અપીલ છે કે આ બસ પોર્ટની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તે માટે સાથે સહકાર આપતા રહેવું જોઈએ.'- મીનાબેન ઠક્કર, મુસાફર
ભુજના આઇકોનિક બસ પોર્ટની વિશેષતાઓ:
- બસ પોર્ટના નિર્માણમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર અને તેની પર ત્રણ માળની ઈમારતનું બાંધકામ મળીને કુલ 20,760 સ્કેવરફૂટમાં નિર્માણ પામ્યું છે.
- બસ માટે 15 પ્લેટફોર્મ, વેઈટીંગ રૂમ, ફૂડકોર્ટ, કેન્ટીન અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ, લેડીસ અને જેન્ટ્સ માટે અલગ અલગ આધુનિક તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
- લોકો માટે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 200થી 250 જેટલા ટુ અને ફોર વ્હીલર વાહનોનું પાર્કિંગ થઈ શકશે.
- ગ્રાઉન્ડ ફલોરમાં મુખ્ય બસ સ્ટેશનમાં એકસાથે 15 બસ લાગી શકે તેવા પ્લેટફોર્મ, 300થી 400 જેટલા લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે.
- જનરલ રૂમ, ટિકિટ બુકિંગ, વિદ્યાર્થી પાસ સહિતના કાઉન્ટર, વોશરૂમ, મહિલા-પુરૂષો માટે અલગ-અલગ વેઈટિંગ રૂમ, કેન્ટીન, પ્રવાસીઓ માટે માહિતી કેન્દ્ર, પૂછપરછ, વોલ્વો વેઈટિંગ રૂમ, અધિકારીઓની કચેરી, ડ્રાઈવર-કંડકટર તથા અન્ય સ્ટાફ માટે આરામ રૂમ, ઉપરના માળે જવા માટે પાંચ લિફ્ટ, એરપોર્ટ પર હોય તેવા છ એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ છે.
ધુમ્રપાન કરનારાને દંડ સહિતની કાર્યવાહી: આ ઉપરાંત બીજા-ત્રીજા માળે 200થી વધુ દુકાનો-ઓફિસ બનાવાઈ છે. અહીં ભવિષ્યમાં ચાર ક્રીનવાળા મલ્ટિ પ્લેક્સ, ફૂડઝોન, ગેમઝોન, જીમ, સહિતની સુવિધા વિકસાવાશે. તો આખા સંકુલની સુરક્ષા અર્થે ઓટોમેટિક અગ્નિશમનની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ આધુનિક સુવિધા ધરાવતા બસપોર્ટની સ્વચ્છતા જળવાય તે પણ જરૂરી છે, જેના માટે થૂંકવા અથવા તો ધુમ્રપાન કરનારાને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી કેમેરાથી સજ્જ આ બસ પોર્ટમાં ખાનગી સુરક્ષા કર્મચારીઓ ખડેપગે રહેશે.
મુસાફરોએ કર્યા વખાણ: આમ તો ભુજના બસ સ્ટેશનની છાપ એટલે કે જ્યાં ત્યાં કચરો, પાન-માવાની પીચકારીઓ, ખાડા-ખાબોચિયા, ઉબડખાબડ સંકુલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી દેખાતી હોય, વરસાદી મોસમમાં તો પ્રવાસીઓ બસ સુધી માંડ માંડ પહોંચી શકતા તેવી હતી જ્યારે હવે ભુજના આ બસ સ્ટેશનની કાયાપલટ થઈ ચૂકી છે. અગાઉ ખૂબ નાનું હતું બસ સ્ટેશન જે હવે ખૂબ મોટું થઈ ગયું છે ત્યારે મુસાફરો પણ આ સ્વચ્છ અને સુઘડ બસ પોર્ટના વખાણ કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે કેટલા સમય સુધી આ બસ પોર્ટની સ્વચ્છતા જળવાશે.