કચ્છ: ગુરુવારે ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભુજમાં કન્ટેન્મેન્ટ ઝોનની સ્થિતિ જોતા સમજાય છે કે, ભુજ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. તેની સામે આરોગ્ય વિભાગ હવે દર્દીઓના સારવાર આપવામાં ઉણું ઊતરી રહ્યું છે. ગંભીર દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર નથી મળતી અને ખાનગી હોસ્પિટલ હવે લૂંટ ચલાવી રહી છે.
- ભુજ કોંગ્રેસે જિલ્લા વિકાસ અધિકારીને પાઠવ્યું આવેદન
- કોંગ્રેસે તંત્ર પર કર્યા આક્ષેપ
- તંત્ર છુપાવી રહ્યું છે પોઝિટિવ આંકડા
- મોતના આંકડા બહાર પાડવામાં આવતા નથી
- કોરોના આવવાથી બીજા રોગની સારવાર બંધ
વધુમાં તેમણે જણાવ્યું કે, શાસકો વિજયરથ કાઢીને લોકોને જાગૃત કરવાના દાવા કરે છે, પરંતુ તંત્ર આંકડા છુપાવીને લોકોને ગુમરાહ કરી રહ્યું છે. મૃત્યુના આંકની કોઈ માહિતી આપવામાં આવતી નથી. આ ઉપરાંત પોઝિટિવ દર્દીઓના આંક પણ તંત્ર છૂપાવી રહ્યું છે. એક તરફ ભુજમાં નવા સ્મશાન બનાવવાની બાબતે વિચારણા ચાલી રહી છે, તો બીજી તરફ તંત્ર સબ સલામતનું ચિત્ર ઊભું કરી રહ્યું છે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, કોરોનાની સારવારમાં ખાડે ગયેલા તંત્રની સામે ભુજની અદાણી ગ્રુપ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારના બહાને અન્ય દર્દીઓની સારવાર બંધ કરી દેવામાં આવી છે. જેથી હજારો દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી રફીક મારાએ તાજેતરમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને કોરોના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરી સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક ઓપરેશન સહિતની વિવિધ સારવાર શરૂ કરવાની માગ કરી છે.