કચ્છ: જિલ્લામાં સરેરાશ 16 ઇંચ વરસાદ સામે ચાલુ વર્ષ 25થી 50 ઇંચ વરસાદ ખાબક્યો છે. 26 વર્ષ બાદ ખાબકેલા આ રેકોર્ડ બ્રેક વરસાદને કારણે જિલ્લાના ખેતરોમાં પાણી ભરાયા છે. આ વરસાદના કારણે બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ભારતીય કિસાન સંઘ દ્વારા આ મુદ્દે ભુજ ખાતે કલેક્ટર કચેરીમાં ધરણાં કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત કિસાન સંઘે તંત્રને આવેદનપત્ર પાઠવી સહાયની માગ કરી હતી.
આ અંગે ભારતીય કિસાન સંઘના આગેવાન શિવજી આહીરે જણાવ્યું હતું કે, કચ્છમાં 250 ટકા વરસાદ થયો છે. જેથી ખેતરોમાં 90 ટકાની નુકસાની થઇ છે. આમ છતાં સરકાર સહાય ચુકવવાના બદલે સરકાર સર્વે કરવાની વાત કરે છે.
વધુમાં શીવજી આહીરે જણાવ્યું કે, ગત વર્ષના પાક વીમામાં પણ કચ્છના 18700 ખેડૂતોને રૂપિયા 13500ની સહાયનું ચૂકવણું હજૂ થયું નથી. ભાજપના પદાધિકારીઓ વીમો પહોંચી ગયાનું માર્કેટિંગ કરે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જૂદી જ છે.