કચ્છ: કચ્છ પંથકમાં ગેરકાયદે ખનીજ ચોરીને ડામવા માટે કચ્છ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વૉડ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે, જે અંતર્ગત મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ચાલી રહેલું ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે 2જી નવેમ્બરના ઝડપાયેલ ગેરકાયદે બેન્ટોનાઈટ ખનીજ સંગ્રહ અને વહન અંગે કુલ 48,01,067ની દંડ ભરપાઈ કરાવવામાં પણ આવ્યો છે.
ખાણ-ખનીજ વિભાગની તવાઈ: ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક મેહુલકુમાર શાહ દ્વારા મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ પાસેથી પસાર થતી સુરાઈ નદી ખાતે પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન સાદી રેતી ખનીજનું ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાનું જણાયું હતું, પરિણામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર કાર્યરત હ્યુન્ડાઈ કંપનીનું એક્સકેવેટર મશીન સિઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ગેરકાયદે સાદી રેતીની ખનીજ ચોરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગેરકાયદે ખનીજ ચોરી ડામવા પ્રયાસ: ઉપરાંત 2 નવેમ્બર 2023ના રોજ અબડાસાના રાયધણઝર વિસ્તારમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખુશાલી ગરવા તથા સર્વેયર વિક્રમસિંહ રાઠોડ દ્વારા એક હ્યુન્ડાઇ કંપનીના એક્સકેવેટર મશીન દ્વારા બેન્ટોનાઈટ ખનીજના બીનધિકૃત સંગ્રહમાંથી ગેરકાયદે બેન્ટોનાઈટ ભરાતું ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ડમ્પર રજીસ્ટ્રેશન નંબર GJ-12-BT-3469માં પકડાયેલ મશીન અને ડમ્પરને સિઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યુ હતું. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના બીનઅધિકૃત સંગ્રહ અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પર્યાવરણીય નુકશાન બદલ પણ દંડ: વધુ તપાસ દરમિયાન તપાસ ટીમ દ્વારા અબડાસા તાલુકાના રાયધણઝર ગામે પકડેલ ગેરકાયદે બેન્ટોનાઈટ ખનિજના સંગ્રહ અને વહન અંગે કુલ 40,48,258 રૂપિયા અને પર્યાવરણના નુકશાન બદલ કુલ 7,52,809 રૂપિયા મળીને કુલ 48,01,067 રૂપિયાની દંડનીય રકમ પણ ભરપાઈ કરાવવામાં આવી છે.