કચ્છ: સરહદી વિસ્તાર કચ્છમાં છેલ્લાં એક અઠવાડિયાથી સતત ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે મોડી રાતે 1:38 કલાકે સરહદી વિસ્તાર લખપત નજીક 2.9 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. આ આંચકો પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આ ભૂકંપનો આંચકો નોંધાયો છે. વારંવાર અનુભવાતા ભૂંકપના આંચકાને પગલે લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાય ગયો છે.
સતત ધ્રૂજતી ધરા: કચ્છમાં વર્ષ 2001ના ગોઝારા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો અવિરતપણે ચાલુ જ રહ્યો છે. આજે મોડી રાત્રિએ 1:38 કલાકે 2.9ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના લખપત, નારાયણ સરોવર, કોટેશ્વર સુધીની ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો લખપતથી 38 કિલોમીટર દૂર વેસ્ટ - નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો.
ફોલ્ટ લાઈન પર અવારનવાર આંચકાઓ: ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અગાઉ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ફોલ્ટ લાઈન પર અવારનવાર આંચકાઓ નોંધાઈ રહ્યા હતા. તો આજે સરહદી વિસ્તાર લખપતમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. તો કચ્છમાં જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની આસપાસ જ છેલ્લાં 7 દિવસોથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. જોકે લખપતના સરહદી વિસ્તાર પાસે પણ હવે અવાર-નવાર આંચકાઓ નોંધાવા લાગ્યા છે. નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ જાતની નુકસાનીના કોઈ પણ સમાચાર મળ્યાં નથી.