ખેડાઃ અનલોક-1 અંતર્ગત આજથી ધાર્મિક સ્થળો ખોલવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી ન હોવાથી તેમજ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનના અભાવે સોમવારથી રણછોડરાયજી મંદિર ખોલી શકાયું નથી.
મંદિર ખોલવા અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. જેને લઈ મંદિર મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધવા જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલ અને DSP દિવ્ય મિશ્રાએ ડાકોરની મુલાકાત લીધી હતી. જ્યા મંદિર મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરિક્ષણ કરી મંદિર ટ્રસ્ટ તેમજ સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
મંદિર મેનેજમેન્ટ દ્વારા મંદિર પરિસર બહારની વ્યવસ્થાનું કોઈ જ આયોજન કર્યું ન હતું. DSPએ સ્વંયસેવકો આપવા તાકીદ કરી હતી. જેને પગલે ડાકોર મંદિર બહારની વ્યવસ્થા માટે મંદિર મેનેજમેન્ટે નીચા મોઢે પોલીસ તંત્રને સ્વયંસેવકો આપવા હકાર ભણવો પડ્યો હતો. આ સાથે જ રણછોડરાય મંદિર અંદર અને બહારની દર્શન વ્યવસ્થા અંગે સ્થળ નિરિક્ષણ કરી યોજના બનાવવા મંદિર મેનેજમેન્ટને સૂચના આપી હતી.
સ્થાનિક અને અન્ય જિલ્લાના દર્શનાર્થીઓની દર્શન વ્યવસ્થા માટે યોગ્ય યોજના બનાવવા જણાવાયું હતું. તેમજ દર્શન સમયે કોઈ દર્શનાર્થીઓને ધક્કો ન લાગે કે, કાંઈ તકલીફ ન પડે તે રીતે સુમેળભર્યા વ્યવહારે વર્તન રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સોમવારથી ધાર્મિક સ્થળો ભાવિકો માટે ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે સ્થાનિક તંત્રની તૈયારી અને મંદિર મેનેજમેન્ટ સાથે સંકલનના અભાવે રણછોડરાયજી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી શકાયું નથી. સોમવારે કલેકટર અને SPની મુલાકાત બાદ વહેલી તકે તૈયારીઓ પૂર્ણ થતા મંદિર નજીકના દિવસોમાં ભાવિકો માટે ખોલવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.