ખેડાઃ ફાગણી પુનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોવાથી પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી ફાગણી પુનમના રોજ ડાકોર પહોંચી દર્શન કરે છે.
જેને લઈ હાલ ડાકોર જતાં તમામ માર્ગો ભાવિકોથી ઉભરાઈ રહ્યા છે. માર્ગો પર ભક્તોનો મહેરામણ ઉમટ્યો છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધિરા બન્યા છે. પદયાત્રીઓની સેવા માટે તમામ માર્ગો પર ઠેરઠેર સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આખી રાત્રી પદયાત્રા કરી ભાવિકો વહેલી સવારે 4 વાગ્યેથી રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.
હાલ કોરોના વાયરસને લઈને તંત્ર દ્વારા જાગૃતિ માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેને લઈ પદયાત્રીઓમાં જાગૃતિ જોવા મળી રહી છે. જો કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.