ખેડા : ઘટનાને લઈ પોલીસ દ્વારા ગામના સીસીટીવી ચકાસવા સહિત ઘટનામાં સંકળાયેલા લોકોને ઝડપી પાડવા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને મળેલી ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ ગામમાં કેટલાક યુવાનો બેઠા હતા તે દરમિયાન સ્પીડમાં બાઈક ચાલક નીકળતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને તે મામલો શાંત પણ પડી ગયો હતો. જે બાદ રાત્રે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બનતા બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.

કણજરી ગામમાં બે પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. ગ્રામજનો દ્વારા જણાવ્યા મુજબ કોઈ સ્પીડમાં બાઈક લઈને નીકળતા સામે પક્ષે જે છોકરાઓ બેઠેલા તેને ઠપકો આપ્યો હતો. શરૂઆતમાં મામલો શાંત થઈ ગયો હતો. જે બાદ બાઈક ચાલક બીજા મિત્રોને લઈને આવતા સામસામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. તાત્કાલિક વડતાલ પોલીસે પહોંચી સ્થિતિ નિયંત્રિત કરી હતી. જે બાદ આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી બંદોબસ્ત બોલાવી ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગામમાં બિલકુલ શાંતિ છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. - જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા
નજીવી બાબતમાં પથ્થરમારો થયો : ઘટનાને પગલે સ્થાનિક વડતાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પણ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ ગામમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનામાં કોઈને ઈજા પહોંચવાની વિગતો પોલીસને મળી નથી. પોલીસ દ્વારા ગુનો નોંધી ગામના સીસીટીવી ચકાસવા તેમજ ઘટનામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.