- પડતર માંગણીઓને લઈ વીજ કર્મચારીઓએ લડત શરૂ કરી
- કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન
- ન્યાય નહીં મળે તો 22 જાન્યુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળનો નિર્ધાર
ખેડા : સાતમા પગાર પંચ સમયે વીજ કર્મચારીઓને નવા બેઝિક આપવામાં આવ્યા હતા, પરંતુ તેના પર મળતા એલાઉન્સિસ જેવા લાભો અને અન્ય પાંચ વર્ષની પડતર માંગણીઓ સંતોષવાની જગ્યાએ તેમના પર કાપ મૂકતી જોગવાઈનું ફરમાન અને લાભો 1 જાન્યુઆરી, 2016ની જગ્યાએ 1 જાન્યુઆરી, 2021થી આપવાની અન્યાયકારી નીતિ સામે સમગ્ર ગુજરાતના 55,000 વિજકર્મીઓ દ્વારા તમામ યુનિયન એક સાથે જોડાઈ ગુજરાત ઉર્જા સંયુક્ત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અહિંસક લડતના શરૂઆત કરવામાં આવી છે.
કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરાયું
શનિવારના રોજ થર્મલ પાવર સ્ટેશન વણાંકબોરી ખાતે કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે 16 જાન્યુઆરી, 2021થી 20 જાન્યુઆરી, 2021 સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
ન્યાય નહીં મળે તો 22 જાન્યુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળ
21 જાન્યુઆરી, 2021થી સમગ્ર ગુજરાતના 55,000 કર્મચારીઓ માસ CL પર ઉતરશે. જો માંગણીઓને લઈ યોગ્ય ન્યાય નહીં મળે તો 22 જાન્યુઆરી, 2021થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.