મહેમદાવાદઃ આ પ્રસંગે પ્રભારી સચિવ એ.કે. રાકેશે ગ્રામજનોને જણાવ્યું હતું કે, દરેક ગામના આગેવાનો કુપોષિત બાળકોને અલગ તારવી તેમની સવિશેષ કાળજી રાખે તો કુપોષણની સમસ્યા ફક્ત એક જ વર્ષમાં ગુજરાતમાંથી નાબૂદ થાય તેમ છે. દરેક બાળક શારીરિક સક્ષમ હોતા નથી. જેથી ગામમાં આવા નબળા બાળકોની અલગ ઓળખાણ કરી તેઓનું આંગણવાડીથી જ સવિશેષ ધ્યાન રાખવું જોઈએ. સગર્ભા માતાને તંદુરસ્ત બાળક જન્મે તે માટે અગાઉથી સારો ખોરાક,દવા અને રસીકરણ આપવું જોઈએ. જેથી આવનાર બાળક તંદુરસ્ત જન્મે તેથી બાળકોની તંદુરસ્તીને પ્રાધાન્ય આપવું જોઈએ.
કલેકટર આઈ.કે. પટેલે જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં કુપોષણ એક અભિશાપ છે. જેને નાબૂદ કરી સશક્ત સમાજનું નિર્માણ કરી શકાય. બાળક કુપોષિત હશે તો દેશ પાંગળો બનશે માટે દરેક માતાના બાળકનું ગર્ભથી જ ધ્યાન રાખવું જોઇએ. બાળકો માટે સ્વચ્છતા અને પોષણક્ષમ આહારનું મહત્વ પણ સમજવું જોઈએ.
ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગામમાં એક પણ બાળક કુપોષિત રહેશે તો તે સમગ્ર ગામની સંયુક્ત જવાબદારી ગણાશે. સરકાર તમામ સ્તરે ગ્રામ્ય પ્રજાને પણ જાગૃત કરીને કુપોષણ સામે રક્ષણ મેળવવા પ્રયત્નશીલ છે, ત્યારે સમાજે પણ તેમાં સિંહફાળો આપી પોતાના ગામ પુરતી જ જો તકેદારી રાખે તો આ દૂષણને વહેલી તકે નાબૂદ કરી શકાય તેમ છે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળ તંદુરસ્ત હરીફાઈ, વાનગી હરીફાઈના વિજેતાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પોષણના જીવનચક્રને લગતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પોષણ આરતી, અન્નપ્રાશન વિધિ તથા ટીએસઆરનું વિતરણ, બાળકો દ્વારા પોષણ અદાલત, પોષણ માટે અમૂલ્ય 1000 દિવસ ફિલ્મનું નિદર્શન તેમજ પાલક દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પદાધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,તાલુકા આઈસીડીએસ અધિકારી, આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયતના સદસ્યો,જિલ્લા પંચાયતના સદસ્યો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં શાળાના બાળકો અને વાલીઓ હાજર રહ્યાં હતા.