ખેડા: જિલ્લામાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીવાના કારણે અત્યાર સુધી છ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ મામલામાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતા બે આરોપીને વડોદરા પોલીસ દ્વારા તપાસ માટે નડિયાદ લવાયા હતા. કોર્ટ દ્વારા બન્ને આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
બે આરોપીઓ દસ દિવસના રિમાન્ડ પર: જીવલેણ સિરપનો કાળો કારોબાર કરનારા પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં નડિયાદના યોગેશ પારૂમલ સિંધી, બિલોદરાના નારાયણ ઉર્ફે કિશોર સોઢા(પૂર્વે તાલુકા ભાજપ કોષાધ્યક્ષ) તેના ભાઈ ઈશ્વરભાઈ સોઢા અને વડોદરાના નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી સામે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે. જેમાં યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઈશ્વર સોઢાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બન્ને હાલ દસ દિવસના રિમાન્ડ પર છે.
મામલામાં વધુ ખુલાસાની શક્યતા: નડિયાદનો યોગેશ સિંધી મિથાઈલ આલ્કોહોલ યુક્ત કાલમેઘાસવ સિરપની ખોટા અને બનાવટી લેબલ લગાવેલ બોટલો વડોદરાના નિતિન અને ભાવેશ પાસેથી મંગાવતો હતો. યોગેશ બિલોદરાના કિશોર અને ઈશ્વર સોઢાને આ સિરપની બોટલો વેચતો હતો, જેને તેઓ લોકોને વેચતા હતા. પોલીસ દ્વારા નિતિન અને ભાવેશના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરતા મામલામાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
SIT દ્વારા તપાસ: સિરપ પીવાથી લોકોને માથામાં દુખાવો તેમજ મોંમાંથી ફીણ આવવું જેવી તકલીફો થઈ હતી. જે બાદ તેમના મોત નિપજ્યા હતા. જે સમગ્ર મામલામાં હાલ પોલીસની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કુલ પાંચ આરોપીઓમાંથી અગાઉ ધરપકડ કરવામાં આવેલ બે આરોપીઓ હાલ દસ દિવસના રિમાન્ડ પર છે.