ખેડા: જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાયના ત્રાસથી ખેડૂતો ત્રસ્ત બન્યા છે. નીલગાય દ્વારા સમગ્ર પાક સાફ કરવાના પણ બનાવો બની રહ્યા છે. એક તરફ ધરતીપુત્રોને પાકના રક્ષણ માટે દિવસ-રાત ભારે મહેતન કરવી પડી રહી છે, ત્યારે ઠેર-ઠેર ખેતરોમાં ઘુસી નીલગાયના ટોળા પાકને સફાચટ કરી જાય છે. જેથી ખેડૂતોને પાક ઉછેરવા કરતાં વધુ સમય નિલગાયથી પાકનું રક્ષણ કરવા માટે આપવો પડે છે.
ખેડાના ખેડૂતો નીલગાયના ત્રાસથી ત્રસ્ત
- ખેતરોમાં ઘુસી નીલગાયના ટોળા પાકને સાફ કરી જાય છે
- ખેડૂતોને નિલગાયથી પાકનું રક્ષણ કરવા માટે સમય આપવો પડે
- નીલગાયના કારણે ખેડૂતોને રાતવાસો ખેતરમાં કરવો પડે
- નીલગાયના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે
- ખેડૂત પર પણ નિલગાયના હુમલાના બનાવો બને છે
જિલ્લાના વિવિધ ગ્રામ્ય પંથકોમાં ઠેર-ઠેર ખેતરોમાં નિલગાયના મોટા ટોળા ફરે છે. જે આખા પાકને સફાચટ કરી જાય છે. જેને લઇ ખેડૂત દ્વારા પાક પાછળ કરવામાં આવેલા તમામ ખર્ચા એળે જાય છે અને ખેડૂતને તમામ મહેનત માથે પડે છે.
નીલગાયોના ટોળાને ખેતરોથી દૂર રાખવા ખેડૂતો દ્વારા વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ કરવામાં આવે છે, પરંતુ તે કારગર નીવડતી નથી. જેથી પાકને બચાવવા ખેડૂતોને આખો દિવસ ખેતરમાં નીલગાય પાછળ જ દોડધામ કરવી પડે છે. આ સાથે જ રાતવાસો પણ ખેતરમાં જ કરવો પડે છે.
ખેડૂતોને આ સમસ્યાથી છુટકારો મેળવવાનો કોઇ રસ્તો મળી રહ્યો નથી. આ ઉપરાંત હાઇવે પરથી મોટી સંખ્યામાં પસાર થતા વાહનચાલકો પણ નીલગાયોના ટોળાને કારણે અવાર-નવાર જીવલેણ અકસ્માતોનો ભોગ બનતા હોય છે, તેમજ ખેતરમાં રહેનારા ખેડૂત પર પણ નિલગાયના હુમલાના બનાવો બને છે. જેથી ખેડૂતોએ નીલગાયના ત્રાસથી છૂટકારો મેળવવા સરકાર પાસે માગ કરી છે.