નડિયાદ: 74મા આઝાદી પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ દેશની આઝાદી માટે શહીદી વહોરનારા નામી-અનામી તમામને યાદ કરી નત મસ્તકે વંદના કરવાની સાથે આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા હતા. સાથે જ સાંપ્રત પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સ તરીકે જિલ્લામાં શ્રેષ્ઠ ફરજ અદા કરનારા વોરિયર્સનું શાલ ઓઢાડી બહુમાન કરી આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર દેશની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ મર્યાદિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી આઝાદી પર્વ ઉજવવા અપીલ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશ પ્રગતિના પંથે છે ત્યારે રાષ્ટ્રની આઝાદીમાં ખેડા જિલ્લાના સિંહ ફાળાને તેઓએ યાદ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેઓએ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ, રવિશંકર મહારાજ, ઈન્દુલાલ યાજ્ઞિક, ગોવર્ધનરામ ત્રિપાઠી, પૂજ્ય મોટા બકુલ ત્રિવેદીને આ પ્રસંગે યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની પ્રગતિનો આગવો નકશો કંડાર્યો છે. વિકાસના કેન્દ્રમાં જનસામાન્યને સાથે રાખીને આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા વહીવટમાં સંવેદનાસભર ત્વરિત નિર્ણયો લઇને ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે આ સરકારની પ્રતિબદ્ધતાની પ્રતિતિ સૌને થઈ રહી છે.