ખેડા : સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. બાદમાં ભગવાન રણછોડજીને બાળભોગ, શૃંગાર ભોગ અને ગોવાળ ભોગ ધરાવવામાં આવ્યા હતા. સવારે 9 વાગે રણછોડજી મંદિરમાં ડોલોત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં ગોપાલલાલજી મહારાજને ફૂલોથી બનાવવામાં આવેલ હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજવાસીઓ સાથે ધૂળેટી રમ્યા હતા. તે જ રીતે અને તે જ ભાવથી પોતાના ભગવાન રણછોડની સાથે ધૂળેટી રમવા ભક્તો વહેલી સવારથી ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા. ભગવાન ફૂલડોલમાં બિરાજી સોના અને ચાંદીની પિચકારીથી કેસુડાંના રંગો ભક્તો ઉપર છાટી ધૂળેટી રમ્યા હતા. ભક્તો પણ ડાકોરના માર્ગો ઉપર રામઢોલ વગાડતા નાચતા ગાતા મંદિરમાં પહોચ્યા હતા. સંઘો દ્વારા ધ્વજા રોહણ કરી ભગવાન ઉપર અબીલ ગુલાલ ઉડાડી ધૂળેટી રમ્યા હતા. જે બાદ પોતાના સ્વજનો સાથે ધૂળેટી રમી ઝૂમી ઉઠ્યા હતા.
ઉત્તર ફાગણ નક્ષત્ર હોય તે દિવસે ડાકોર રણછોડજી મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આંબાના પાન અને પાણી ,અને વિવિધ ફળોથી ઝુલો શણગારવામા આવ્યો હતો. જેમાં શણગાર આરતી બાદ રણછોડજીનું બાલ સ્વરૂપ ગોપાલ લાલજી બિરાજમાન થયા હતા. જે બાદ અબીલ ગુલાલ સહિતના વિવિધ રંગો સાથે સોના અને ચાંદીની પિચકારી ભરીને ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમ્યા હતા. જે દરમિયાન ભગવાનને ધાણી, ચણા અને ખજૂરનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ સાથે ફૂલડોલ દરમિયાન ચાર વિશિષ્ટ આરતી સાથે વિવિધ રંગોથી રણછોડજી સખીભાવે ચાર ખેલ રમ્યા હતા. અને એક ખેલ પોતે ભક્તો સાથે રમ્યા હતા. આ પાંચ ખેલ દરમિયાન ભગવાનની પાંચ આરતી કરવામાં આવી હતી.