ખેડા જિલ્લાના સેવાલિયાના ભરત રાઠોડે એક મહિના પહેલા અનિતા સાથે લગ્ન કર્યા હતાં. ભરતને તેની પત્ની છોડીને જતી રહેવાની બીક હોવાથી તેણે ભુવાને વિધિ કરી આપવા કહ્યું હતું. જેથી ભુવા હર્ષદે ભરતને તેની પત્નીને લઈને આવવા કહ્યું હતું. પરંતુ, ભરતની પત્નીને જોતા જ ભુવો તેના પ્રેમમાં પડ્યો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે સંબંધોની ગામમાં ચર્ચા થતા ભરતને પણ પત્ની અને ભુવાના આડા સંબંધોની જાણ થઈ હતી, પણ બંનેને કઈ કહ્યું ન હતું.
પોતાના પ્રેમ સંબંધમાં ભરત કાંટારૂપ જણાતાં ભુવા હર્ષદે વિધિના બહાને ભરતને નદી પાસે બોલાવ્યો હતો. જ્યાં ભરતની પત્ની અનિતા, તેના કાકાના દીકરા અને કૌટુંબિક ભાઈઓ ભરતને મહીસાગર નદીના કિનારે લઈ ગયા હતાં. જ્યાં વિધિના બહાને અનિતાના માથા ઉપરથી દાણા વાળીને નદીમાં પધરાવવાનું કહી નદીમાં ધક્કો મારી દીધો હતો.
નદીમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરતા શંકાના આધારે ભુવા હર્ષદ સોલંકીની અટક કરી પૂછપરછ કરતાં પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે ભુવા હર્ષદ સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી જેલ હવાલે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.