ખેડાઃ જિલ્લામાં ગુરૂવાર રાત્રીથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ખેડાના વિવિધ નદીનાળા છલકાયા છે. જિલ્લામાંથી પસાર થતી શેઢી નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લાના નડિયાદ તેમજ મહુધા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો નડિયાદ તાલુકાના વીણા ગામમાં વરસાદને પગલે તળાવ ફાટતા ડાંગર અને તમાકુના પાકને ભારે નુકસાન થયું છે તેમજ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ઘણા ગામોમાં પાણી ભરાતા લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે.
હાલ પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અવિરત ચાલી રહેલા વરસાદને લઈને વિકટ પરિસ્થિતિના એંધાણને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં મૂશળધાર વરસાદને પગલે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં તેમજ અનેક ગામોમાં વરસાદના પાણી ભરાયા છે. ગામમાં વરસાદના પાણી ભરાતા ઘણા ગામો ચારેતરફથી પાણી-પાણી થયા છે. તો કેટલાક ગામોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.
મહુધા તાલુકાના હેરંજ, ચુણેલ, મહીસા, ખલાડી, બલાડી અને ખૂંટજ સહિતના ગામોમાં પાણી ભરાયા છે. જેને પગલે ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામોની મુલાકાત લઇ વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની તથા થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. જિલ્લામાં કેટલાક ગામોમાં કોરોના કેસો આવતા કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારોમાં આરોગ્ય તેમજ પોલીસ વિભાગ દ્વારા જળબંબાકારની સ્થિતિમાં ચાલુ વરસાદે ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે.
મહત્વનું છે કે જિલ્લાના અનેક ગામોમાં પાણી ભરાયેલા છે, તેમજ ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાણીની સપાટીમાં વધારો થતા ઘરોમાં પાણી ભરાઇ જવાની આશંકાને પગલે ગ્રામજનો ચિંતીત બન્યા છે.