- ખેડામાં અનેક જગ્યાએ તૌકતે વાવાઝોડાની વ્યાપક અસર
- જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- ભારે પવન સાથે વૃક્ષ અને વીજળીના થાંભલા પડ્યા
ખેડાઃ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા. જ્યારે નડીયાદમાં વીજળીની વાયર તૂટતા માતા-પૂત્રીનું મોત થયું હતું. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
આ પણ વાંચો- તૌકતેના પગલે ગાંધીનગર જિલ્લામાં 24 કલાકમાં 263 મિમી કમોસમી વરસાદ નોંધાયો
સૌથી વધુ નડીયાદમાં વરસાદ પડ્યો
વાવાઝોડાની અસરના કારણે જિલ્લામાં દિવસ દરમિયાન ભારે વરસાદ નોધાયો હતો. સૌથી વધુ નડીયાદમાં 9 ઈંચ વરસાદ નોધાયો હતો. જ્યારે માતરમાં 6 ઈંચ,ખેડામાં 6 ઈંચ, મહુધામાં 5 ઈંચ, વસોમાં 5 ઈંચ, મહેમદાવાદમાં 4 ઈંચ, કઠલાલમાં 3.5 ઈંચ, કપડવંજમાં 3 ઈંચ,ઠાસરામાં 2 ઈંચ અને ગળતેશ્વરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો- નર્મદા જિલ્લામાં વાવાઝોડાથી કેળના પાકને નુકશાન, ખેડૂતોઓએ સહાયની કરી માગ
નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
ભારે વરસાદને લઈ વિવિધ નીચાણવાળા વિસ્તારો જળ બંબાકાર બન્યા હતા. નડીયાદ શહેરમાં દિવસમાં 9 ઈંચ જેટલો વરસાદ નોંધાતા વિવિધ વિસ્તારો તેમ જ ગરનાળા જળબંબાકાર થઈ ગયા હતા. શહેરના શ્રેયસ ગરનાળામાં પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. જોકે, કારમાં સવાર 3 વ્યક્તિઓનો બચાવ થયો હતો. તો અનેક જગ્યાએ વીજળીના થાંભલા તૂટી ગયા હતા, જેના કારણે અંધારપટ છવાયો હતો. જિલ્લામાં ફાયરના જવાનો અને MGVCLની ટીમે રસ્તા ખૂલ્લા કર્યા હતા. તો ન્યૂશોરોક વિસ્તારમાં રહેતા માતા-પૂત્રી પર વીજ વાયર પડતા તેમનું મોત થયું હતું.