દાહોદઃ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોના સંક્રમણ સામે જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરી બાબતે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 155 ટેસ્ટ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 140ના પરીણામ નેગેટીવ અને 3 નમૂનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 12 નમૂનાના પરીણામ હજી બાકી છે.
દાહોદ જિલ્લામાં કોરોના વાઈરસ પગપેસારો કરતા જ તંત્ર દ્વારા કડકાઈ પૂર્વક લોકડાઉનનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે 155 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 140ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 3 પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 12 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે.
આ અંગે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું કે, જિલ્લામાં કવોરન્ટાઇન કરવામાં આવેલા કેસોની સંખ્યા 219 છે. જિલ્લામાં સામાન્ય રીતે અઠવાડીયામાં 5 થી 6 હજાર ઓપીડીની સંખ્યા હોય છે. જેમાંથી અંદાજે 100ની આસપાસ શરદી ખાંસી જેવા કેસો છે. તેમાંથી જરૂર જણાય તેમના ટેસ્ટ કરવામાં આવે છે. જિલ્લાના દવાખાનાઓમાં દવાઓનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં 7 સ્થળોએ શેલ્ટરહોમ ઊભાં કરવામાં આવ્યા છે. જયાં 623 લોકોને ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે. તેમને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. નિયમિત રીતે તેમની આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને તેમના જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
જિલ્લાની 17 ચેકપોસ્ટ પર આરોગ્ય અને પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ સતત 24 કલાક કાર્યરત છે. જિલ્લામાં બહાર પાડવામાં આવેલા જાહેરનામાઓનો પણ ચુસ્ત અમલ કરાવામાં આવી રહ્યો છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંઘનું કડક પાલન કરાવામાં આવે છે.