કીડની જેવા ગંભીર રોગની સારવાર સામાન્ય અને ગરીબ પરિવારોને આર્થિક રીતે ખૂબ જ બોજારૂપ હોય છે. કીડનીના દર્દીઓએ ડાયાલીસીસ માટે કરવા પડતા મોંઘા ખર્ચાઓનો ઉપાય સંવેદનશીલ સરકારે શોધી કાઢ્યો છે. નડિયાદની સીવીલ હોસ્પિટલ કીડનીના દર્દીઓને મફતમાં ડાયાલીસીસની સારવાર કરી જરૂરિયાતમંદ અને સામાન્યમાં સામાન્ય તથા છેવાડાના માનવીની વ્હારે આવી છે.
નડિયાદની કીડની હોસ્પિટલે જુન-૨૦૧૯ સુધીમાં ૫૪,૨૨૫ ઉપરાંત કીડનીના ગંભીર રોગના દર્દીઓનું વિનામૂલ્યે ડાયાલીસીસ કરી રાજ્ય સરકારની નાગરિકો પ્રત્યેની આરોગ્યલક્ષી સેવાઓની સંવેદનાઓની પ્રતિતિ કરાવી છે. નડિયાદ કીડની હોસ્પિટલના ડાયાલીસીસ સેન્ટરના ઇન્ચાર્જ ભરતભાઇ મકવાણાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર – ૨૦૧૪માં માત્ર ૭ ડાયાલીસીસ યુનિટથી શરૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ દર્દીઓનો ધસારો થતા વધુ ૧૨ યુનિટ કાર્યારત કરવામાં આવ્યા છે. નડિયાદ સીવીલ હોસ્પિટલમાં ૧૯ અદ્યતન મશીનો સાથેનું સુવિધા સજ્જ સંપૂર્ણ ડાયાલીસીસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ યુનિટમાં સવારના ૭-૩૦ થી રાત્રીના ૯-૦૦ વાગ્યા સુધી દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં જૂન – ૨૦૧૯ સુધીમાં ૫૪,૨૨૫ દર્દીઓની ડાયાલીસીસની સારવાર કરવામાં આવી છે.
જે દર્દી પાસે કાર્ડ હોય તેવા દર્દીને દર ડાયાલીસીસ દીઠ ઘરે જવા માટે રૂપિયા ૩૦૦/- સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. ડાયાલીસીસની મોંઘી સારવાર પાછળ રાજ્ય સરકારે અંદાજે 16 કરોડ જેટલો માતબર ખર્ચ કરેલ છે. ભરતભાઇએ જણાવ્યું કે, ડાયાલીસીસના દર્દીઓને ડાયાલીસીસ માટે 4 કલાક મશીન પર રાખવા પડે છે. ત્યારબાદ બીજા દર્દીની સારવાર કરવામાં આવે છે.
ડાયાલીસીસના દર્દીને ડાયેટીશીયનના માર્ગદર્શન અનુસાર હાઇ પ્રોટીનના નાસ્તા આપવામાં આવે છે. દર્દીને હિપેટાઇટીસ બી ની રસી તથા દવાઓ પણ મફત આપવામાં આવે છે. દરેક દર્દીની ચકાસણી માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડાર્કટરની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નડિયાદ ડાયાલીસીસ યુનિટમાં રોજના અંદાજે ખેડા જિલ્લા ઉપરાંત જિલ્લા બહારના તેમજ રાજ્ય બહારના દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડાયાલીસીસની મોંઘી કીટ દરેક દર્દી દીઠ અલાયદી વાપરવામાં આવે છે. આ ડાયાલીસીસ સેન્ટરમાં નાના બાળકથી લઇ ઉંમર લાયક દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે. દરેક દર્દીને તેમના રોગની માત્રા મુજબ અઠવાડિયામાં બે કે ત્રણ વાર ડાયાલીસીસ કરવાની જરૂરીયાત રહે છે.