ખેડાઃ છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ રહેતા અને 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે ખેડા જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં હોવાની અને હવે પોઝિટિવ કેસ આવતા આખા ગામમાં ખળભળાટ મચી ગયો હતો.
જે કોરોના પોઝિટિવ કેસ મળ્યો છે તે દર્દીનું મૂળ ગામ કપડવંજ પાસેનું દાણા ગામ છે. જે છેલ્લા ઘણા વર્ષોથી 108માં અમદાવાદમાં પાઈલોટ તરીકે ફરજ બજાવતા હતા. 108માં ફરજ બજાવતા હોવાથી તાવ, શરદી, ઉધરસના કોઈ લક્ષણો વિના આરોગ્ય ચકાસણી માટે તેમનું કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે આ દર્દીને હાલ બી.જે.મેડીકલ કોલેજ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલા છે.
જો કે, દર્દી અમદાવાદ ખાતે જ રહેતા હતા અને જિલ્લામાં આવ્યા ન હતા. તેમ છતાં તંત્ર દ્વારા સતર્કતાને લઈને કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ દાણા ગામે પહોંચ્યા હતા. જ્યાં દર્દીના પત્નિ,બે બાળકો અને માતાપિતાની ચકાસણી કરી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ ગામમાં સેનેટાઈઝર કરી લોકોને લોકડાઉનનુ ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.