ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો 1 જાન્યુઆરી 2017થી અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને પ્રથમ જીવિત બાળક જન્મ સમયે લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સગર્ભા/ધાત્રી માતાઓને 5,000ની સહાય તેમના બેન્ક અથવા પોસ્ટ ખાતા મારફતે સગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમિયાન 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે.
ખેડામાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 21,934 લાભાર્થી માતાઓને કુલ 8.95 કરોડની રકમ ભારત સરકાર દ્વારા લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડીબીટીથી સીધી જમા કરવામાં આવી હતી. ખેડામાં વર્ષ 2019-20માં એપ્રિલ-19 થી કુલ 11,874 લાભાર્થીઓના લક્ષ્યાંકની સામે કુલ 4993 માતાઓને 1.99 કરોડની રકમ તેઓના બેન્ક ખાતામાં ડાયરેટ જમા કરાવી 42.04 ટકા સિધ્ધિ મેળવવામાં આવી છે.

આ યોજના હેઠળ પ્રથમ હપ્તો સગર્ભાવસ્થાની આગોતરી નોંધણી કરાવ્યા બાદ (150 દિવસમાં) 1,000 બીજો હપ્તો ઓછામાં ઓછી એક પૂર્વ પ્રસુતિ તપાસ (સગર્ભાવસ્થાના 6 મહિના પછી) 2,000 અને ત્રીજો હપ્તો બાળજન્મની નોંધણી કરાવ્યા બાદ બીસીજી, ડીપીટી, એપીવી, હેપેટાઇટીસ-બી રસીઓની પ્રથમ સાયકલ પૂર્ણ કરાવ્યા બાદ (14 અઠવાડિયા સુધીની રસી) 2,000 સહિત 5,000 ચૂકવવામાં આવે છે.
આ યોજના હેઠળ પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળક જન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસૃતિ પૂર્વે અને પ્રસૃતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઇ શકે તે માટે તેની રોજગારીના નુકશાનનું રોકડ સહાયના રૂપને વળતર આપવાનો છે.
આ રોકડ સહાયથી સગર્ભા/ધાત્રી મહિલાઓના આરોગ્યના સ્તરમાં સુધારો થયો છે. તમામ સગર્ભા અને ધાત્રી મહિલાઓને આ યોજના 1 જાન્યુઆરી 2017થી ફક્ત પ્રથમ જીવિત બાળ જન્મ સમયે મળવાપાત્ર છે. આંગણવાડી વર્કર/તેડાગર અને આશા વર્કરને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.