જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. ત્યારે આજે અચાનક વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં વરસાદનું આગમન થતા પરિક્રમાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલાક લોકો વરસતા વરસાદમાં જંગલમાં કુદરતી સૌદર્યની મોજ માણી હતી.
પરિક્રમાર્થીઓ મુશ્કેલી: વરસાદને કારણે ગિરનાર અભયારણ્ય અને પરિક્રમા માર્ગ પર વરસાદને કારણે ભાવિકો માટે જંગલ વિસ્તારમાં ચાલવું ખૂબ મુશ્કેલ હતું. જંગલની માટી અને વરસાદી પાણીને કારણે જમીન એકદમ ચીકણી બની જતાં પ્રવાસીઓને ચાલતી વખતે લપસી જવાનો ડર ઉભો થયો હતો. આવી પરિસ્થિતિમાં પરિક્રમાથીઓ ભારે જહમત બાદ ભવનાથ પહોંચવામાં સફળ રહ્યા હતા અને અહીંથી તેઓ સીધા જ તેમના વતન તરફ આગળ વધી રહ્યા છે. અચાનક વરસાદને કારણે કેટલાક પરિક્રમાર્થીઓનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો હતો.
વરસાદ પડતાં શું સ્થિતિ સર્જાઈ: અચાનક વરસાદ પડતા ગિરનાર જંગલમાં પરિક્રમાના માર્ગ પરથી પસાર થઈને ભવનાથ આવેલા કેટલાક પરિક્રમાર્થીઓએ ETV ભારત સાથે વરસાદ બાદની સ્થિતિનું વર્ણન કર્યું હતું. નડિયાદથી આવેલા રામકૃષ્ણ જણાવે છે કે વરસાદની શક્યતાઓ હતી પરંતુ વરસાદ આવશે તેવું ચોક્કસ અનુમાન ન હતું ત્યારે અચાનક પડેલા વરસાદને કારણે પરિક્રમાર્થીઓને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. સાથે રહેલો સામાન વરસાદી પાણીમાં પલળી ગયો હતો. જંગલની બહાર નીકળવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.
અમદાવાદના નિમિશ ચૌહાણે જણાવ્યું હતું કે વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા વહેલી સવારમાં ઠંડીનો અહેસાસ પણ કરવો પડ્યો હતો. પરંતુ પરિક્રમાનો આનંદ વરસાદની વચ્ચે તેઓ માણતા માણતા ભવનાથ તળેટી તરફ પહોંચી ગયા છે.