- દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વિસાવદરના ધારાસભ્યનું સમર્થન
- હર્ષદ રીબડિયા તેમના કાર્યકરો સાથે ટીહરી બોર્ડર પર ખેડૂતોને મળવા પહોંચ્યા
- ધારાસભ્યએ ટ્રેક્ટર ચલાવીને આંદોલનમાં પોતાની સહભાગિતા જાહેર કરી
જૂનાગઢઃ દિલ્હીમાં પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના ખેડૂતો તેમજ અન્ય રાજ્યના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા પારિત કરાયેલા કૃષિ સંશોધન કાયદાના વિરોધમાં છેલ્લા 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે, જેને લઇને જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પણ હવે ખેડૂત આંદોલનમાં ઝંપલાવ્યું છે. ટીહરી બોર્ડર પર જઈને રીબડીયાએ 20 દિવસથી ચાલતા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
રીબડીયાએ કૃષિ કાયદા વિરુદ્ધમાં કેન્દ્ર સરકારની જાટકણી કાઢી
ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે ટીહરી બોર્ડર પર પહોંચેલા હર્ષદ રીબડિયાએ કેન્દ્ર સરકારના કૃષિ સંશોધિત કાયદાને કાળો કાયદો ગણાવીને કેન્દ્ર સરકારની ભારે આલોચના કરી હતી. રીબડિયા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી કાયદાઓ બનાવીને ખેડૂતોને પરેશાન કરી રહી છે. જેને લઇને ખેડૂત પુત્ર હોવાને નાતે તેઓ આંદોલનનું સમર્થન કરવા અને તેમાં ભાગ લેવા માટે જોડાયા છે.
કૃષિ સંશોધન કાયદા પરત ખેંચે તેવી માંગ કરી
તેઓએ જણાવ્યું કે જૂનાગઢ અને વિસાવદર પંથકના ખેડૂત પુત્ર સાથે તેઓ મંગળવારે આંદોલનમાં સક્રિય રીતે જોડાયા હતા અને ખેડૂતોની જે માંગ છે તેને પોતાનું સમર્થન આપીને તાકીદે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગ સ્વીકારીને કૃષિ સંશોધન કાયદા પરત ખેંચે તેવી માંગ કરી હતી.