જૂનાગઢઃ શ્રાવણ જેવા પવિત્ર માસમાં પણ આ વર્ષે ભવનાથ તળેટી શિવભક્તો વિના સૂમસામ જોવા મળી રહી છે. કોરોનાને કારણે ચાલી રહેલા કેટલાક પ્રતિબંધાત્મક આદેશો તેમજ કોરોના વાઇરસના ભયને લઈને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેને કારણે વર્ષોથી શ્રાવણ માસમાં શિવભકતોથી ઉભરાતી ભવનાથ તળેટી આજે શિવભક્તો વિના સુમસામ જોવા મળી રહી છે.
કોરોના વાઇરસની અસર હવે શિવના મહિના શ્રાવણ માસ પર પણ વર્તાઈ રહી છે. દર વર્ષની જેમ શિવ ભક્તોને પ્રચંડ હાજરી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે ભવનાથમાં શિવ ભક્તોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે. જેના કારણે ભવનાથ મહાદેવ મંદિર પરિસર અને તળેટી શિવ ભક્તો વગર સૂમસામ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ શિવ ભકતો દર્શનાર્થે આવી રહ્યા છે.
કોરોના સંક્રમણને કારણે લોકોમાં ભય પેસી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શિવ ભક્તો ભગવાન ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે આવતા હોય છે અને અહીંથી પુણ્યનું ભાથુ બાંધીને પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે આ વર્ષે ભાવિકોની બિલકુલ પાંખી હાજરીને કારણે ભાવનાથ વિસ્તારના રોજગાર ધંધા પણ માઠી અસર જોવા મળી રહ્યા છે.
ગત વર્ષ સુધી શ્રાવણ માસમાં અહીં ભગવાન ભવનાથ મહાદેવને પ્રિય એવા રુદ્રાક્ષથી લઈને તમામ ધાર્મિક ચીજ-વસ્તુઓનું ખૂબ વેચાણ થતું હતું અને એક મહિનામાં અહીં નાના-મોટા હજાર વેપારીઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા, પરંતુ આ વર્ષે ઘણા ઓછા વેપારીઓ દુકાન ખોલી રહ્યા છે. જો કે, ભવનાથ તળેટીમાં શિવ ભક્તોની પાંખી હાજરીને કારણે વેપારીગણને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.