- ઉના તાલુકાના ચીખલી ગામમાં મરઘાના શંકાસ્પદ મોત
- મરઘાઉછેર કેન્દ્રમાં 15 દિવસ દરમિયાન 200 કરતાં વધુ મરઘાના મોત
- તબીબોએ સેમ્પલ એકત્ર કરી નમૂનાઓ તપાસ અર્થે મોકલ્યાં
ગીર સોમનાથઃ જિલ્લામાં પણ પક્ષીઓના મોતને લઈને હવે ચિંતાઓ ઘેરી બની રહી છે. જુનાગઢ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ પક્ષીઓના શંકાસ્પદ મોતથી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ઉના તાલુકાના ચીખલી ગામમાં 200 કરતાં વધુ મરઘાઓના મોત થયા છે, ત્યારે પશુપાલન વિભાગની ટીમે મૃતક મરઘાઓના સેમ્પલ મેળવીને નમૂનાઓ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
જૂનાગઢ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ પક્ષીઓના શંકાસ્પદ મોત
જૂનાગઢ બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. રવિવારે જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના મરઘા ઉછેર કેન્દ્રમાં છેલ્લા દસ દિવસ દરમિયાન 200 કરતાં વધુ મરઘાઓના શંકાસ્પદ મોત થતાં સમગ્ર મામલાની જાણ મરઘા ઉછેર કેન્દ્રના માલિકે પશુપાલન વિભાગને કરી હતી, જેથી સ્થાનિક તબીબોએ મરઘાઉછેર કેન્દ્રમાં જઈને મૃતક મરઘાની સાથે જે મરઘા બીમાર જોવા મળી રહ્યા છે તેમના પણ સેમ્પલ એકત્ર કરીને નમૂનાઓ વધુ તપાસ અર્થે મોકલી આપ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં પક્ષીઓના શંકાસ્પદ મોત
સમગ્ર રાજ્યમાં બર્ડ ફ્લુને લઈને ચિંતાઓ ઘેરી બની રહી છે ત્યારે પક્ષીઓના મોતનો મામલો વધુ ભય ફેલાવી શકે છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પક્ષીઓના શંકાસ્પદ મોત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચાર દિવસ પહેલા જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં 50 જેટલા પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતા, જે પૈકીના બે પક્ષીનો બર્ડ ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામમાં પણ 70 કરતાં વધુ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા બર્ડ ફ્લુને લઈને ચિંતાઓ ખૂબ જ ઘેરી બની હતી. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામમાં પણ ખાનગી મરઘાઉછેર કેન્દ્રમાં 200 કરતાં વધુ મરઘાઓના શંકાસ્પદ મોત થતાં બર્ડ ફ્લુને લઈને હવે મામલો ગંભીર બની રહ્યો છે, અને જે પ્રકારે સંખ્યાબંધ પક્ષીઓના મોત થઈ રહ્યા છે તેને લઈને હવે ધીમે ધીમે ભયનું વાતાવરણ પણ સર્જાઇ રહ્યું છે.