જૂનાગઢ: રાજ્યની વિવિધ ગ્રામ પંચાયતોમાં ખૂબ મોટા પ્રમાણમાં તલાટી કમ મંત્રીની જગ્યાઓ ખાલી છે. જેને કારણે ખેતીની સાથે અન્ય ગ્રામ્ય કક્ષાએ સવાલો અને મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. આ ઘટ દૂર થાય તે માટે સરકાર દ્વારા નવી ભરતીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. રાજ્યની સરકારે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીની ઘટ દૂર થાય તે માટે ઉમેદવારોને પસંદ કરવા માટે જાહેર પરીક્ષાના માપદંડોમાં ફેરફાર કર્યા છે. જેમાં તલાટી મંત્રી બનવા માટે તૈયારી કરતાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે.
" સરકારે જે નિર્ણય લીધો કે તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે જે લાયકાત છે તેને સ્નાતક સુધી લઈ ગયા તો મારા મત પ્રમાણે નિર્ણયમાં સુધારાની જરૂરિયાત હતી, હરિફાઈ ખૂબ વધી જતી હતી અને મોટી સંખ્યામાં ઉમેદવાદોનો ઘસારો જોવા મળતો હતો. જેને ઘટાડવા માટે આ જરૂરી હતું. બીજું કે આના થકી સરકારને ગુણવત્તાયુક્ત કર્મચારીઓ મળશે. પરીક્ષાનું લેવલ છે ગ્રેજ્યુએશન છે તો હવે ડિફિકલ્ટી લેવેલ પણ વધશે." - રાહુલ, ઉમેદવાર
ધો-12 પાસ ઉમેદવારો નિરાશ થશે: બીજી તરફ મહિલા ઉમેદવારોએ પણ સરકારના નિર્ણયને આવકાર્યો છે અને જણાવ્યું છે કે લઘુતમ શૈક્ષણિક મર્યાદા સ્નાતક સુધીની કરતા પરીક્ષાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. સાથે સાથે જે નવા તલાટીઓ પસંદ થશે તે સ્નાતક હોવાને કારણે તેનાથી વહીવટની કાર્યક્ષમતા પણ વધશે. પરંતુ જે ઉમેદવારો ધોરણ 12 પાસ કરીને તલાટી મંત્રી બનવાના સપના જોઈને તૈયારી કરી રહ્યા હતા તેઓ આ જાહેરાતથી નાસીપાસ થશે. તેમને હવે ચાન્સ નહિ મળે.
પરીક્ષાર્થીઓની સંખ્યામાં ઘટશે: રાજ્ય સરકાર જાહેર પરીક્ષા દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટીની ભરતી કરવા જઈ રહી છે ત્યારે લઘુત્તમ શૈક્ષણિક મર્યાદામાં વધારો થતા ધોરણ 12 પાસ કરીને તલાટી કમ મંત્રી બનવા માટેના સપના જોતા તમામ ઉમેદવારો સરકારની આ જાહેરાતથી ચોક્કસપણે નિરાશ થયા હશે. કોઈ પણ સરકારી યોજનાની બે તરફની અમલવારી હોઈ શકે છે. કેટલાક પક્ષને જાહેરાતથી ફાયદો પણ થઈ શકે તો કેટલાક પક્ષને જાહેરાતથી નુકસાન પણ થઈ શકે. લઘુતમ શૈક્ષણિક મર્યાદા સ્નાતક સુધીની કરવાથી ચોક્કસપણે પરીક્ષાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે તેની સાથે જાહેર પરીક્ષાની જે ગુણવત્તા છે અથવા તો જાહેર પરીક્ષાની કઠિનતામાં પણ ચોક્કસપણે વધારો થઈ શકે છે.