જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ દરમિયાન શિવલિંગની પૂજા અને તેના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. ત્યારે સનાતન ધર્મમાં પણ સ્ફટિકના શિવલિંગની પૂજા અને તેના દર્શનને પણ ખૂબ જ આધ્યાત્મિક રીતે મહત્વપtર્ણ માનવામાં આવ્યું છે. સનાતન ધર્મની લોકવાયકા મુજબ સ્ફટિકનું શિવલિંગ દેવાધિદેવ મહાદેવનું સ્વયં પ્રતિનિધિત્વ કરતું હોય છે. વધુમાં સનાતન ધર્મના દેવીદેવતાઓમાં દેવાધિદેવ મહાદેવને પ્રમુખ ભગવાન તરીકે પણ સ્વીકારવામાં આવ્યા છે. ત્યારે ક્રિસ્ટલમાંથી બનેલા શિવલિંગના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ પણ જોવા મળે છે.
સ્ફટિકને શક્તિશાળી તત્વ તરીકે સ્વીકારાયું : સ્ફટિક મુખ્યત્વે બરફના પહાડોમાંથી મળી આવતો સ્વયં પ્રકાશિત પથ્થર છે. જેથી તેને શુદ્ધતા અને શક્તિની દ્રષ્ટિએ સર્વોત્તમ માનવામાં આવે છે. કેટલીક ધાર્મિક લોક વાયકા મુજબ સ્ફટિક ચેતના અને આધ્યાત્મ જાગૃતિ માટે પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. જેથી સ્ફટિકના શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી પ્રત્યેક વ્યક્તિ ચેતનવંતો બનવાની સાથે તેનામાં આધ્યાત્મિક જાગૃતિનું પણ સર્જન થતું હોય છે.
આ શિવલિંગના દર્શન કરવાથી કોઈપણ શિવભક્ત મહાદેવની દૈવીય ઉર્જા સાથે જોડાઈ શકે છે અને મહાદેવ પ્રત્યે તેમની જે લાગણી છે તે આધ્યાત્મિકતાના બંધનમાં વધુ ગાઢ રીતે જોડી શકે છે. શિવલિંગને શિવ અને શક્તિના સ્વરૂપે પણ પૂજવામાં આવે છે, ત્યારે સર્વોત્તમ મનાતા સ્ફટિકમાંથી બનેલા શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી પ્રત્યેક શિવભક્તને મનવાચ્છિત ફળ પ્રાપ્ત થતું હોય છે...મહાદેવ ભારતી સંત, ભવનાથ
સ્ફટિક હકારાત્મક ઊર્જાનો ભંડાર : સ્ફટિકને હકારાત્મક ઊર્જાના ભંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે સનાતન ધર્મની કેટલીક ધાર્મિક માન્યતા અનુસાર સ્ફટિકમાં સકારાત્મક ઊર્જાને ખૂબ જ વિસ્તૃત કરવાની શક્તિ સમાયેલી હોય છે. જેને કારણે પણ સ્ફટિકના શિવલિંગ સમક્ષ બેસીને ધ્યાન પૂજા કરવાથી પ્રત્યેક આસ્તિકની માનસિક સ્થિતિમાં ખૂબ જ હકારાત્મક ફેરફારો જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ કે વિચલિત થયો હોય તે વ્યક્તિ સ્ફટિકના શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી તેનું ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવામાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જેને કારણે પણ સ્ફટિક શિવલિંગના દર્શન અને પૂજા થકી પ્રત્યેક વ્યક્તિનુ સીધું જોડાણ પરમાત્મા સાથે થઈ શકે તે દિશામાં મહત્વનું માનવામાં આવે છે.