જૂનાગઢ: આજે વિશ્વ પાલતુ પ્રાણી દિવસ છે. આજે સમગ્ર વિશ્વમાં પેટ દિવસ એટલે કે પાલતુ પ્રાણીને સમર્પિત દિવસ તરીકેની ઉજવણી થઈ રહી છે. વર્ષ 2006 માં એનિમલ વેલ્ફેર અભિયાન અંતર્ગત પાલતુ પ્રાણીને સમર્પિત દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. ત્યારે જૂનાગઢમાં રહેતા અમિતભાઈ શાહ જેઓ પર્યાવરણ અને પ્રકૃતિ બચાવો અભિયાન સાથે પણ જોડાયેલા છે. તેમના ઘરે આજે 40 કરતાં પણ વધુ બિલાડીઓ જોવા મળે છે. આ બિલાડી તેમની કોઈ પાલતુ નથી. પરંતુ આપણા રહેણાંક વિસ્તારમાં જોવા મળતી અને બીમાર કે કોઈ લોકોએ તેને તરછોડીને ઘરની બહાર કાઢી મૂકેલી બિલાડીઓને અમિતભાઈ શાહ અને તેનો સમગ્ર પરિવાર આજે 40 જેટલી દેશી બિલાડીઓને નિવાસસ્થાનની સાથે એક અનોખું ઘર પણ પૂરું પાડી રહ્યા છે. જેમાં બિલાડીઓને બેડ પર સુવાથી લઈને જમવા સુધીની તમામ વ્યવસ્થા સમગ્ર શાહ પરિવાર કરી રહ્યો છે.
સુખ અને સુવિધા:તરછોડાયેલી એક બિલાડી થી શરૂ કરીને આજે 40 કરતા વધુ દેસી જાતની અને આપણી આસપાસ જોવા મળતી બિલાડીઓ અમિતભાઈ શાહના ઘરમાં જોવા મળે છે. પ્રત્યેક જીવની સેવા કરવી તે માનવ ધર્મ છે. ધર્મ આજે અમિતભાઈ શાહ અને તેના પરિવારને બિલાડીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે. આ તમામ બિલાડીઓ આજે શાહ પરિવારના એક સભ્ય તરીકે રાજાશાહી ઠાઠમાં જોવા મળે છે. તેના માટે તમામ પ્રકારની સુખ સુવિધા રહેવા માટે ઘર સુવા માટે બેડ અને જમવા માટે તમામ પ્રકારના પૌષ્ટિક પદાર્થો મળી રહે તેની ખૂબ જ ચીવટતાપૂર્વક દેખરેખ રાખીને શાહ પરિવાર બિલાડીઓની સેવા કરી રહ્યો છે.
આ પણ વાંચો Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ
પ્રતિ મહીને 40 હજારનો ખર્ચ: શાહ પરિવારના ઘરમાં રહેતી 40 જેટલી બિલાડીઓનો હોસ્પિટલ અને ખોરાક તેમજ અન્ય ચીજો માટે પ્રતિ મહિના દરમિયાન 40 હજાર જેટલો ખર્ચ થાય છે. શાહ પરિવાર આજે માનવસેવા એ પ્રભુ સેવા ના ભાવ સાથે તરછોડાયેલી બીમાર અને અશક્ત બિલાડીઓને સાચવીને સાચા અર્થમાં માનવસેવા નો યજ્ઞ પ્રજ્વલિત કરી રહ્યા છે. જેમાં આ 40 બિલાડીઓ તેમની સેવાનો અનુભવ કરી રહી છે. હજુ પણ આવનારા સમયમાં બિલાડીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ બિલાડીઓ અમિતભાઈ શાહ પાસે આવીને તેની પાલતુ જ નથી બનતી પરંતુ પરિવારના એક સભ્ય તરીકેની હૂંફ પણ મેળવે છે.