- માણાવદર નગરપાલિકાએ વધાર્યા કરવેરા
- રેશ્મા પટેલે જવાહર ચાવડા અને ભાજપને આપી ચીમકી
- કરવેરા ઘટાડવામાં નહીં આવે તો કરશે ઘરણાં
જૂનાગઢ : ભાજપ શાસિત જૂનાગઢની માણાવદર નગરપાલિકાએ વધારેલા કરવેરા ઘટાડવા માટે NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે ભાજપના જવાહરભાઈ ચાવડા અને ભાજપને ખુલી ચીમકી આપી હતી.
રેશ્મા પટેલે 2 દિવસમાં કરવેરા ઘટાડવા કરી માંગ
આ અંગે રેશ્મા પટેલે કહ્યું હતું કે, "ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ કોરોના જેવી મહામારી વચ્ચે દરેક કરવેરામાં બમણાંથી વધુ વધારો કરી પ્રજાની આર્થિક સ્થિતિ ઉપર પાટું માર્યું છે. હું NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ભાજપના આ નિર્ણયનો વિરોધ કરું છું અને પ્રજાની રહેમ નજરથી માણાવદર વિધાનસભામાં વર્ષોથી સતા ઉપર રહેલા જવાહરભાઈ ચાવડા મૂકપ્રેક્ષક બની માત્ર ભાજપની ગુલામી કરી રહ્યા છે. ત્યારે હું શરમ સાથે કહું છું કે, જવાહર ચાવડાએ ઢાંકણીમાં પાણી લઇને ડૂબી જવું જોઈએ. માણાવદર વિધાનસભાના મારા મતદાતાઓના હિતમાં કાર્ય કરવું મારી ફરજ છે, હું જવાહરભાઇ ચાવડા અને ભાજપ શાસિત નગરપાલિકાને ખુલી ચીમકી આપું છું કે, 2 દિવસમાં કરવેરા ઘટાડવાનો યોગ્ય નિર્ણય કરવામાં નહિ આવશે તો હું અને મારા NCP ના સૈનિકો માણાવદર નગરપાલિકા સામે ધરણાં કરી ઉગ્ર વિરોધ કરીશુ અને જ્યાં સુધી પ્રજા હિતમાં નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખીશુ".