જૂનાગઢ: સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, ઓખા, દ્વારકા, જામનગર, કોડીનાર, માંગરોળ સહિત કચ્છના બંદરો એક સમયે માછીમારી ઉદ્યોગ માટે સુવર્ણ દ્વાર માનવામાં આવતા હતા પરંતુ પાછલા એક દસકા કરતા વધારે સમયથી માછીમારીનો સુવર્ણ દ્વારા આજે માછલી વિનાના દરિયા તરીકે ભાસી રહ્યો છે. આ થવા પાછળ ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત અને રસાયણ યુક્ત ઝેરી પાણી દરિયામાં ઠાલવવામાં આવી રહ્યું છે તે છે.
ગેરકાયદે માછીમારી: આ ઉપરાંત પ્રતિબંધિત એવી લાઈટ અને લાઇન ફિશિંગ દરિયામાંથી માછલીઓની સંખ્યામાં ઘટાડો કરવા માટે કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વધુમાં માછીમારી ઉદ્યોગના જે કાયદાની અમલવારી ચોક્કસ અને સચોટ થવી જોઈએ તેમાં સરકારનું નિયંત્રણ ખૂબ જ નગણ્ય હોવાથી ગેરકાયદે માછીમારીને કારણે પણ દરિયો માછલીઓથી ખાલી થઈ રહ્યો છે.
પ્રદૂષણ સૌથી વધુ નુકસાનકારક: ઔદ્યોગિક એકમોનું પ્રદૂષણ સૌથી મોટી ચિંતાનું કારણ પર્યાવરણ માટે બની રહ્યું છે. ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી અને ઝેરીલા રસાયણો દરિયામાં મુક્તપણે છોડવામાં આવે છે જે દરિયાકાંઠાથી 5 થી 10 નોટિકલ માઈલ દૂર સુધી તેની અસરો જોવા મળે છે. ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ તેમજ થર્મલ પાવર સ્ટેશનનો ખૂબ જ હાનિકારક કચરો માછલીઓના વિસ્તારમાં એકત્ર થાય છે. જેને કારણે માછલીના ઈંડાની સંખ્યા અને તેમાંથી બચ્ચા જન્મ લેવાની પ્રક્રિયા ગંભીર રૂપે ઘટી ગઈ છે. આમ થવાને કારણે દરિયામાં માછલીઓની સંખ્યા સતત ઘટી રહી છે.
મેન્ગ્રુવ વનસ્પતિમાં ઘટાડો: પાછલા બે દસકા દરમિયાન દરિયાઈ જીવોને સુરક્ષા આપતી અને દરિયાઈ ખારાસને રોકતી મેન્ગ્રુવ નામની વનસ્પતિનું સતત નિકંદન નીકળી રહ્યું છે. આ મેન્ગ્રુવ વનસ્પતિ માછલીઓના પ્રજનન અને તેના સંવવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોય છે જેમાં થયેલો ઘટાડો તેમજ પાછલા બે દસકા દરમ્યાન બોટોની સંખ્યામાં 50% કરતાં વધુનો થયેલો વધારો દરિયાઈ જીવ માછલીની સંખ્યામાં ઘટાડા માટે કારણભૂત બની રહ્યો છે. જેની પાછળ સરકારનું ઉદાસીન અને નકારાત્મક વલણ માછલીઓની સંખ્યાના ઘટાડા માટે પણ જવાબદાર મનાઈ રહ્યું છે.
સરકારનું ઉદાસીન વલણ: કેન્દ્ર સરકાર દ્વારા દરિયામાં માછલી ઓની સંખ્યાને મર્યાદિત અને નિયંત્રણમાં રાખતી યોજના પણ પાછલા એક દસકા દરમિયાન બંધ કરવામા આવી છે. આ યોજના અંતર્ગત દરિયામાં જોવા મળતી અને જે તે પ્રાંતમાં વિશેષતા ધરાવતી માછલીઓના નાના બચ્ચાને યોજના અંતર્ગત સીધા દરિયામાં મુક્ત કરવામાં આવતા હતા. આ યોજના બંધ થવાને કારણે પણ દરિયામાં માછલીઓની સંખ્યાના ઘટાડા માટે કારણભૂત માનવામાં આવી રહી છે.
દરિયામાં માછીમારી બંધ: આ ઉપરાંત કચ્છ વેરાવળ જામનગર પોરબંદર દ્વારકા અને સિક્કા વિસ્તારમાં આવેલા મહાકાય ઔદ્યોગિક એકમોનું પ્રદૂષણ માછલીઓ માટે પ્રાણ ઘાતક સાબીત થયું છે. એક સમયે સિક્કા અને જામનગરનો દરિયો માછલીઓના ઉત્પાદન માટે સમગ્ર વિસ્તારમાં શ્રેષ્ઠ મનાતો હતો. આજના દિવસે સિક્કા અને જામનગરના દરિયામાં માછીમારી બંધ જોવા મળે છે જેની પાછળ દરિયામાં ઘટતી માછલીઓની સંખ્યા કારણભૂત મનાય છે.
'દરિયા કાંઠાના વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે જે માછલીઓના સંવવન માટે પણ બાધા રૂપ બની રહ્યું છે. દરિયામાં જોવા મળતી માછલીઓ પૈકી 50 ટકા કરતાં વધુ માછલીઓ સંવવન માટે કાંઠા વિસ્તારથી 10 નોટિકલ માઈલ વિસ્તારમાં આવતી હોય છે જે પ્રદૂષણનો ભોગ બની છે. જેને કારણે તેની સંવવન ક્ષમતા ઘટી ગઈ છે જેની સીધી અસર દરિયામાં માછલીઓની સંખ્યા પર થઈ રહી છે.' -દિનેશ વધાવી, માછીમાર સમાજના અગ્રણી
માછીમારી એસોસિએશનના પ્રમુખનો પ્રતિભાવ: માછીમારી એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલે ઈટીવી ભારત સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે દરિયામાં ઘટતી માછલીઓની સંખ્યાને લઈને માછીમારી ઉદ્યોગનું ઔદ્યોગિકીકરણ થયું છે તેને કારણે પણ દરિયામાં માછલીની સંખ્યા ઘટી ગઈ છે. ખૂબ જ આધુનિક મશીનો દ્વારા ઔદ્યોગિક એકમોના માછીમારો માછીમારી કરી રહ્યા છે જેને કારણે માછલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે વધુમાં માછીમારી કરતી બોટની સંખ્યામાં 40% કરતાં વધારેનો વધારો થયો છે.