જુનાગઢ : રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની એસટી બસમાં ડ્રાઈવર અને કંડકટરની જાહેરાત એસ.ટી. વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રોની સાથે ફર્સ્ટ એડ તાલીમ મેળવ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજિયાત હોય છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે હવે જુનાગઢ ખાતે ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ઉમેદવારો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા ખૂબ જ ઉતાવળા બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કોર્સ : ઈન્ડિયન રેડક્રોસને સરકાર દ્વારા ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ઉમેદવારોને પ્રમાણિત ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કોર્સ પંદર દિવસની તાલીમ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે. હાલમાં ઉમેદવારો તાલીમ માટે એડમિશન લેવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.
જુનાગઢમાં એકમાત્ર તાલીમ સેન્ટર : જુનાગઢ શહેરમાં એકમાત્ર ઇન્ડિયન રેડક્રોસ તાલીમ સેન્ટરમાં ફર્સ્ટ એડ અંગેનો અભ્યાસ અને તેની તાલીમ ચાલી રહી છે. જે સરકાર દ્વારા નિર્ધારિત કરેલ 15 દિવસની મર્યાદામાં છે. જેમાં 120 જેટલા વિદ્યાર્થીઓને એક સત્રમાં સામેલ કરવાના હોય છે. પરંતુ એસ.ટી. નિગમમાં જાહેરાત બહાર પડતાં જ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ તેમજ પ્રમાણપત્ર મેળવવાને લઈને જાણે કે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. સેન્ટર પર પ્રવેશ લેવા લાઈનો જોવા મળી હતી. પરંતુ 120 વિદ્યાર્થીઓનો પ્રવેશ પૂર્ણ થયા બાદ વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેવી પરિસ્થિતિ નથી. તેમ છતાં બેરોજગાર યુવાનો એડમિશન મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે.
પ્રમાણપત્ર જરુરી : જુનાગઢ એસટી વિભાગના નિયામક શ્રીમાળી સાથે ETV BHARAT ટેલીફોનીક સંપર્ક કર્યો હતો. તેઓએ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અંગે જણાવ્યું હતું કે, માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટર અને ડ્રાઇવરની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમાં જે પ્રમાણપત્રોની જરૂરિયાત છે તે પ્રમાણપત્ર સમય મર્યાદામાં પ્રત્યેક ઉમેદવારોએ અરજી કરવાની સાથે રજૂ કરવાના હોય છે.
આ પ્રક્રિયા જે તે ઉમેદવારે પોતાના સ્વખર્ચે અને પોતાના જોખમે કરવાની રહેતી હોય છે. અરજીપત્રક અરજી દાખલ થવાથી લઈને પરીક્ષા આપ્યા બાદ જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે. ત્યારબાદ રાજ્ય માર્ગ નિગમ હસ્તકની બાબત બને છે. પરંતુ હાલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા વિદ્યાર્થીઓમાં ખૂબ જ બેચેની જોવા મળે છે. તેને લઈને એસટી નિગમ કોઈપણ પ્રકારે જવાબદાર નથી.-- જુનાગઢ એસટી વિભાગ નિયામક
વિદ્યાર્થીઓ મુંઝાયા : બાટવાથી આવેલા વિદ્યાર્થીના એક વાલીએ આ અંગે તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેઓનો પુત્ર પાછલા ઘણા સમયથી ફર્સ્ટ એડ સર્ટિફિકેટના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ મોટાભાગની સંસ્થાઓમાં એડમિશન ફુલ થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં હવે ફર્સ્ટ એડની 15 દિવસની તાલીમ અને તેનું પ્રમાણપત્ર મેળવવું ખૂબ જ મુશ્કેલી બની રહ્યું છે. એસ.ટી. નિગમમાં અરજી કરતાં પૂર્વે આ તાલીમ સર્ટિફિકેટની નકલ રજૂ કરવી પણ આટલી જ મહત્વની છે. જેથી સરકાર આમાં કોઈ ઘટતી કાર્યવાહી કરે તેવી માંગ વિદ્યાર્થીના વાલી કરી રહ્યા છે.