જૂનાગઢ : છેલ્લા બે માસથી જૂનાગઢના ધારાસભ્ય દ્વારા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પાસેથી કેટલીક વિગતોની માગ કરી રહ્યા હતાં, પરંતુ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સત્તાધીશો દ્વારા ધારાસભ્ય ભીખાભાઈ જોશીને એક પણ પ્રકારની માહિતી પ્રાપ્ત નહીં કરાતા અંતે ધારાસભ્યએ સમગ્ર મામલાને પ્રશ્નોત્તરીના રૂપમાં ગુજરાત વિધાનસભાના પટલ પર મૂકી આપ્યો છે. જેને લઇને હવે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચર્ચાતો જોવા મળશે.
ધારાસભ્યને એક વ્યક્તિએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કેટલીક અનિયમિતતાઓ ચાલી રહી છે તેને લઈને રજૂઆતો કરી હતી, ત્યારબાદ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ સમગ્ર મામલાની માહિતી માગી હતી, પરંતુ સમયસર માહિતી પ્રાપ્ત નહી થતાં હવે મામલો વિધાનસભાના પટલ સુધી પહોંચ્યો છે.
પ્રાણી સંગ્રહાલયમાં બ્યુટીફીકેશન અને તેના માટે કેટલી રકમ ચૂકવવામાં આવી છે અને કઇ કઇ વસ્તુની ખરીદી કરવામાં આવી છે તેનો પાછલા ત્રણ વર્ષનો ઓડિટ રિપોર્ટ માંગ્યો હતો. વધુમાં ધારાસભ્યએ જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો કે પ્રાણી સંગ્રહાલયમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે એક જ સ્થળે પાછલા કેટલાક વર્ષથી નોકરી કરી રહ્યા છે તેને લઈને પણ જાણકારી માગી હતી. વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પાછલા ત્રણ વર્ષમાં જે અનુદાન પ્રાણી સંગ્રહાલયને મળ્યું છે તેની ખર્ચ અને જમા રકમ અંગે પણ સંગ્રહાલયના સત્તાધીશો પાસેથી વિગતો માંગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સત્તાધીશોએ આ પ્રકારની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમજ પાછલા ત્રણ વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કોઈ કર્મચારી કે અધિકારી દ્વારા ગેરરીતિની ફરિયાદો મળી છે કે કેમ તેમજ ફરિયાદ મળવાની સ્થિતિમાં જવાબદાર અધિકારી અને કર્મચારી સામે સંગ્રહાલયના જવાબદાર અધિકારીઓએ કેવા પગલાં ભર્યા તેને લઈને પણ વિગતો માગી છે. આવા અનેક સવાલોને લઈને અંતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ પ્રાણી સંગ્રહાલયનો મુદ્દો વિધાનસભામાં પ્રશ્નોત્તરીના ભાગ રૂપે રજૂ કરતાં આગામી દિવસોમાં જુનાગઢ પ્રાણી સંગ્રહાલયને લઈને વિધાનસભામાં ચર્ચાઓ ચોક્કસ પણે જોવા મળશે.