જૂનાગઢ: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને હવે કોંગ્રેસ પણ કમર કસી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગઈકાલે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પરના કન્વીનરોની જાહેરાત કરી છે. જેમાં જૂનાગઢના બે વખતના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને પોરબંદર લોકસભા બેઠકની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગત ચૂંટણીમાં જુનાગઢ બેઠક પરથી પરાજય પામેલા ભીખાભાઈ જોશીને ખૂબ મહત્વની એવી પોરબંદર લોકસભા બેઠકના સંગઠનમાં કામ કરીને પક્ષના કાર્યકરોને એક જૂથ કરીને લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારને વિજેતા બનાવવાની કપરી જવાબદારી રાષ્ટ્રીય નેતૃત્વએ સોંપી છે.
'મેં અગાઉ અમરેલી રાજકોટ અને પોરબંદર જિલ્લામાં પણ પ્રભારી તરીકે કામ કર્યું છે. જેથી તેમની પસંદગી થઈ હોવાનું માનવામાં આવે છે. વધુમાં ગત ચૂંટણી કરતાં આ વર્ષે પોરબંદર લોકસભામાં આવતી પોરબંદર અને માણાવદર વિધાનસભા કોંગ્રેસ પાસે છે જેને લઇને પણ આગામી લોકસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ સંગઠનની નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતારવા જઈ રહી છે. - ભીખાભાઈ જોશી, કન્વીનર પોરબંદર લોકસભા બેઠક
ભાજપની પરંપરાગત બેઠક: પોરબંદર લોકસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. એક સમયે કોંગ્રેસ માટે સરળ ગણાતી લોકસભાની બેઠક હવે ભાજપની પરંપરાગત બેઠક બની ચૂકી છે. પાછલી ઘણી ચૂંટણીઓથી પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. એક સમયે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વિઠ્ઠલ રાદડિયા પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને ત્યારબાદની ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા ભાજપના ઉમેદવાર તરીકે પોરબંદર લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યા ત્યારથી લઈને અત્યાર સુધી પોરબંદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો સતત પરાજય થતો આવ્યો છે.
શા માટે મહત્વની છે પોરબંદર બેઠક: પોરબંદર લોકસભા બેઠક રાજકીય દ્રષ્ટિએ જે રીતે મહત્વની છે તેવી જ રીતે તેના સીમાંકનને લઈને પણ ખૂબ મહત્વની બની રહે છે. પોરબંદર લોકસભા બેઠકમાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની સાથે જૂનાગઢની માણાવદર કેશોદ અને રાજકોટની ઉપલેટા તેમજ ધોરાજી બેઠકની સાથે ગોડલ અને જેતપુર વિધાનસભાનો કેટલોક ભાગ અને અમરેલી વિધાનસભાના કેટલાક ગામો પોરબંદર લોકસભામાં સામેલ કરાયા છે. જેને લઈને પણ પોરબંદર લોકસભા બેઠક ન માત્ર રાજકીય દ્રષ્ટિએ પરંતુ સીમાંકનની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. જેને કારણે આ બેઠક કોઈ પણ રાજકીય પક્ષ માટે જીતવી એક રાજકીય શાખનો સવાલ પણ બને છે.
ગઈકાલે જેમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને પોરબંદર લોકસભા બેઠકના કન્વીનર તરીકે જાહેર કર્યા છે. ભીખાભાઈ જોશીએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સંગઠન થકી ભાજપને પોરબંદર બેઠક પરથી પરાજય મળે તે માટેની કામગીરી શરૂ કરવાની વાત કરી છે.