જૂનાગઢ: દિવસેને દિવસે માનવતા મરી પરવારી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ધણી વાર એવા કિસ્સાઓ સમાજમાં આવતા હોય છે કે કોઇના પરિવારનુ સભ્ય અકસ્માતમાં મોત થઇ ગયું હોય પરંતુ ઇન્સ્યોરન્સ કંપની વાળા તેમને મળતી સહાય આપવામાં મહિનાઓ સુધી લબડાવતા હોય છે. પરંતુ જૂનાગઢમાં જે કિસ્સો સામે આવ્યો છે તે કંઇક અલગ જ જોવા મળ્યો છે. લોકો તો હવે ઇન્સ્યોરન્સ કંપનીના પણ માથા ભાંગી નાંખે છે. મૂળ પ્રભાસ પાટણના મૃતક હેમેન્દ્ર ભટ્ટના પરિવારે તેમનું મોત બીમારી સબબ થયું હોવા છતાં પણ મોતને અકસ્માતમાં ખપાવીને વીમા કંપની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલામાં ભેદ સામે આવતા હવે ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરે cid ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને સાત વર્ષ બાદ ફરી સમગ્ર મામલામાં તપાસ શરૂ થઈ છે.
ખપાવ્યું અકસ્માતમાં: માનવતા મરી પરવારી હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. જેમાં પ્રભાસ પાટણનો કિસ્સો ખૂબ જ ચર્ચાસ્પદ બની રહ્યો છે. વાત છે વર્ષ 2016ના એપ્રિલ મહિનામાં પ્રભાસ પાટણ પોલીસ મથકમાં હેમેન્દ્ર ભટ્ટનું કોઈ અજાણ્યા બાઈક સવારે અડફેટે લેતા તેનું મોત થયું છે. તેવી અરજીને આધારે મૃતક હેમેન્દ્ર ભટ્ટના પરિવારજનોએ વીમા કંપનીમાં અકસ્માતે મોતનો ક્લેઈમ કરતા વર્ષ 2018માં મંજૂર થયેલી વીમાની રુપિયા 9લાખ 35હજારની રકમ મૃતક હેમેન્દ્ર ભટ્ટના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. આજે ઘટનાને સાત વર્ષ બાદ સમગ્ર મામલો ઉપજાવી કાઢેલ હોવાને કારણે રાજસ્થાન સ્થિત વીમા કંપની આઈ સી આઈ સી આઈ ના ઇન્વેસ્ટીગેટિંવ મેનેજરે રાજકોટ cid crime માં સમગ્ર મામલામાં છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
2016 નો મામલો 2023માં: સમગ્ર મામલો વર્ષ 2016માં ઘટ્યો હતો મૂળ પ્રભાસ પાટણના ભોયવાળા વિસ્તારમાં રહેતા ચેતન ભટ્ટના પિતા હેમેન્દ્રભાઈ ભટ્ટ કોઈ આંતરિક અંગોની બીમારીને કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે વેરાવળની હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી અને તેનું અવસાન શરીરના આંતરિક અંગોની ખરાબી અથવા તો બીમારી હોવાને કારણે થયું હતું. પરંતુ હેમેન્દ્રનું મોત અકસ્માતમાં ખપાવીને વીમા કંપની પાસેથી લાખોની રકમ ખંખેરવામાં તેમના પરિવારજનોને સફળતા મળી હતી. પરંતુ છેતરપિંડીનો આ મામલો સાત વર્ષ બાદ ઉજાગર થયો છે. જેને લઈને cid crime રાજકોટ દ્વારા મૃતક હેમેન્દ્ર ભટ્ટના પરિવારજન સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નાણા ખંખેરવા: વીમા કંપની પાસેથી લાખો રૂપિયા પડાવવા માટે મૃતક હેમેન્દ્ર ભટ્ટના પરિવારજનોએ ખૂબ જ ચાલાકી પૂર્વક તેમનું બીમારીથી થયેલું મોત અકસ્માતમાં થયું છે તેવું સાબિત કરીને વીમા કંપનીને ચૂનો લગાડ્યો હતો. વર્ષ 2016 ના એપ્રિલ મહિનામાં હેમેન્દ્રભાઈ ભટ્ટ હોસ્પિટલે થી સારવાર લઈને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને અડફેટમાં લીધા અને તેનું મોત થયું હતું આવી અરજી પ્રભાસ પાટણ પોલીસ મથકમાં નોંધાવીને વિમાનો ક્લેઈમ કર્યો હતો જે બે વર્ષ બાદ મંજૂર પણ થઈ ગયો હતો. પરંતુ હવે ઘટનાના સાત વર્ષ બાદ આજે સમગ્ર મામલામાં cid crime માં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
લખાવી ફરિયાદ: વીમા કંપનીના ઇન્વેસ્ટીગેટીવ મેનેજર નવીન ચોરસીયાએ મૃતક હેમેન્દ્રભાઈ ભટ્ટના પરિવાર વિરુદ્ધ રાજકોટ cid crime માં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે જે ઘટનાને અકસ્માતમાં ખપાવીને વીમો મંજૂર કરાવ્યો છે. તે વ્યક્તિનું મોત વાસ્તવમાં પેટની કોઈ બીમારીને કારણે થયું છે. સમગ્ર મામલામાં મૃતકના કોઈ પણ પ્રકારના પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ નથી. માત્ર પોલીસમાં અરજી આપીને સમગ્ર તરકટ રચીને વીમા કંપની પાસેથી પૈસા પડાવ્યા છે. ત્યારે સમગ્ર મામલામાં રાજકોટ સીઆઇડી ક્રાઈમ પોલીસ ફરિયાદ નોંધણીને મૃતક હેમેન્દ્ર ભટ્ટના પરિવારજન વિરુદ્ધ તરકટ રચીને ખોટી રીતે વીમા કંપની પાસેથી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે.