જુનાગઢ: આજે પ્રકાશનું મહાપર્વ દિવાળી ખૂબ જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરમાં માતાના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સનાતન ધર્મની પરંપરા મુજબ આજના દિવસે મહાલક્ષ્મીના દર્શન કરવાથી સમગ્ર પરિવાર પર ધન અને ધાન્યની કૃપા જળવાયેલી રહે છે, તેવી ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે આજે દિવાળીના તહેવાર નિમિત્તે મહાલક્ષ્મીના દર્શન કરીને લોકોએ પ્રકાશના પર્વ એવા દિવાળી પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી છે.
મહાલક્ષ્મીના દર્શન માટે ધસારો: આજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે સનાતન ધર્મની પ્રાચીન પરંપરા મુજબ આજના દિવસે મહાલક્ષ્મીના દર્શન કરવાનુ ખૂબ ધાર્મિક મહત્વ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. તે મુજબ આજે જુનાગઢમાં આવેલા અતિ પ્રાચીન મહાલક્ષ્મી મંદિરે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ મહાલક્ષ્મીના દર્શન કરીને વિક્રમ સંવતના નવા વર્ષની શુભ શરૂઆત કરી છે. પ્રાચીન ધાર્મિક પરંપરા અને આસ્થા અનુસાર આજના દિવસે મહાલક્ષ્મીના દર્શન પૂજન અને અભિષેકથી સમગ્ર પરિવાર પર ધન અને ધાન્યનો ભંડાર અખૂટ જળવાઈ રહે છે. તેવી પ્રબળ ધાર્મિક માન્યતાને અનુસરીને આજે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે ખુબ મોટી સંખ્યામાં ભાવિકોએ દાણાપીઠમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરમાં દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત સાથે મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આવતી કાલે ભવ્ય અન્નકૂટ: આવતીકાલે મહાલક્ષ્મી મંદિરમાં અન્નકૂટ દર્શનને લઈને વહેલી સવારે 5:30 વાગ્યાથી લઈને બપોરના એક વાગ્યા સુધી અને ત્યાર બાદ સાજના પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવશે. ફરીથી પાંચ કલાક થી રાત્રી 11 કલાક સુધી મંદિર ભાવિકો મહાલક્ષ્મીના દર્શન કરી શકે તે માટે ખુલ્લું રાખવામાં આવશે. કાર્યક્રમની વિગતો આપતા મહાલક્ષ્મી મંદિરના પૂજારી રાજેન્દ્રભાઈ પંડિતે ઈ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને સૌ નગરજનોને મહાલક્ષ્મીની કૃપા દિવાળીના પાવન પર્વમાં પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ પણ પાઠવ્યા હતા. તો બીજી તરફ ભાવિકો એ પણ મહાલક્ષ્મીના દર્શન કરીને ધન્યતાની સાથે માતાજીના ઔલોકિક દર્શનનો લાહ્વો પણ મેળવ્યો હતો.