જૂનાગઢ : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટર તથા પીવાના પાણી અને રાંધણ ગેસની પાઈપલાઈનના કામ એક સાથે ચાલી રહ્યા છે. જોકે આ કામગીરીના કારણે જૂનાગઢના સામાન્ય લોકો અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, હજુ પણ એક વર્ષ સુધી કામ ચાલવાને કારણે લોકોને સમસ્યા પડી શકે છે.
![ગોકળગતિએ ચાલતા વિકાસકાર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-01-2024/20529936_1_aspera.jpg)
નડતરરુપ વિકાસકાર્યો : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાછલા એક વર્ષથી ભૂગર્ભ ગટર, પીવાના પાણી અને રાંધણ ગેસની પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે. જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ ગટર તથા પીવાના પાણી અને રાંધણ ગેસની લાઈન નાખવા માટે મોટાભાગના માર્ગોને પાંચ થી છ ફૂટ સુધી ઊંડા ખોદવામાં આવી રહ્યા છે. જેના કારણે આ માર્ગ પરથી વાહન લઈને જવું તો ઠીક પરંતુ ચાલીને નીકળવું પણ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. જૂનાગઢની જનતા છેલ્લા એક વર્ષથી આ પરિસ્થિતિથી પીડાઈ રહી છે. તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
ભૂગર્ભ ગટર સાથે પીવાના પાણી અને રાંધણ ગેસની પાઇપલાઇન જમીનમાં છ ફુટ નીચે નાખવામાં આવી રહી છે. જેના કારણે લોકોને સમસ્યા થાય છે તેવું જાણમાં છે. ફરિયાદ પણ આવી છે, પરંતુ કામ જમીનની અંદર કરવાનું છે એટલે થોડો સમય ચોક્કસપણે લાગી શકે છે. -- ગિરીશ કોટેચા (ડેપ્યુટી મેયર, જૂનાગઢ મનપા)
ગોકળગતિએ ચાલતી કામગીરી : જૂનાગઢ શહેરમાં ગોકળગતિએ ચાલતી કામગીરીના કારણે પાછલા બાર મહિનાથી સ્થાનિક લોકો ત્રસ્ત થઈ ગયા છે. જોકે આ કામગીરી પૂર્ણ થવામાં અને સમસ્યાનું નિરાકરણ આવનારા હજુ પણ 12 મહિનામાં થાય તેવી સંભાવના છે. કુલ ત્રણ તબક્કામાં શરૂ થયેલા ભૂગર્ભ ગટર તથા પીવાના પાણી અને રાંધણ ગેસની લાઈન નાખવાના કામના પ્રથમ તબક્કાનું કામ પૂરું થયું છે. હજુ પણ બે તબક્કાના કામો બાકી છે. આ પરિસ્થિતિમાં આવનારા 12 મહિના સુધી જૂનાગઢ શહેરના લોકોને સમસ્યામાંથી છુટકારો મળે તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. જૂનાગઢવાસીઓ આ સમસ્યાની ટેવ પાડી લેવી જોઈએ તેવો માહોલ જોવા મળે છે.
સમસ્યાનું નિરાકરણ ક્યારે ? જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટર સાથે પીવાના પાણી અને રાંધણ ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જમીનમાં છ ફુટ નીચે પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. જેના કારણે લોકોને સમસ્યા થાય છે તેવું જાણમાં છે. મારા સુધી ફરિયાદ પણ આવી છે, પરંતુ કામ જમીનની અંદર કરવાનું છે એટલે થોડો સમય ચોક્કસપણે લાગી શકે છે. પરંતુ કામ પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે ત્યાં નવા માર્ગ બનાવવામાં આવે તે પ્રકારની તાકીદ કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
જૂનાગઢની જનતા કંટાળી : બીજી તરફ જૂનાગઢના શહેરીજન મનસુખભાઈએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની સમસ્યા પાછલા એક વર્ષથી જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં જોવા મળે છે. એક સમસ્યાનું નિરાકરણ થતું નથી, ત્યાં બીજી સમસ્યા ઊભી થાય છે. આ પ્રકારની પરિસ્થિતિથી હવે ખૂબ ત્રાસી ગયા છીએ. તેનું નિરાકરણ કોર્પોરેશન કરે તેવી માંગ કરીએ છીએ.