જૂનાગઢ : આજરોજ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અને યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત સ્પર્ધામાં રાજ્ય યોગ બોર્ડે સહકાર આપ્યો હતો. આજની જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ભાગ લઈને વિજેતા બનેલા 100 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો.
જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા : જૂનાગઢના ઉપરકોટના કિલ્લા ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં મહિલા અને પુરુષ વિભાગમાં ત્રણ ત્રણ વિજેતાઓને જાહેર કરવામાં આવશે. જે આગામી દિવસોમાં આયોજિત થનારી રાજ્યકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે યોગ્યતા પ્રાપ્ત કરશે.
જીવનમાં યોગનું મહત્વ : યોગને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. યોગની સાથે સૂર્ય નમસ્કારની અલગ અલગ મુદ્રા શરીરના આંતરિક અંગો અને ખાસ કરીને મસ્તિષ્ક સાથે સીધો સંબંધ ધરાવે છે. વહેલી સવારે સૂર્ય સામે કરવામાં આવતા સૂર્ય નમસ્કાર માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. યોગ અને શારીરિક કસરતો માટે ગુજરાત સમગ્ર વિશ્વનું પ્રતિનિધિત્વ કરે તે માટે પણ આજનો આ કાર્યક્રમ ખૂબ મહત્વનો માનવામાં આવે છે.
સ્પર્ધકોનો પ્રતિભાવ : આજની જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ભેસાણથી ભાગ લેવા માટે આવેલા વિજેતા સ્પર્ધક બંસી સાવલિયાએ ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. યોગને લઈને પ્રતિભાવ આપતા વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ સૂર્ય નમસ્કાર કરે તો તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. જૂનાગઢનો પ્રત્યેક વ્યક્તિ યોગ દ્વારા પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તી મેળવે તેવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.
યોગ ભગાવે રોગ : સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે જિલ્લા યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરાએ પણ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સૂર્ય નમસ્કાર થકી શારીરિક ચક્રોનું શોધન થાય છે, જે પ્રત્યેક વ્યક્તિની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. યોગથી ન માત્ર શારીરિક અને માનસિક તંદુરસ્તી મળે છે, પરંતુ તે ઉન્નતી અને સ્વાસ્થ્ય સાથે જીવન જીવવા માટેની પ્રેરણા પણ પૂરી પાડે છે.