જૂનાગઢ : જૂનાગઢના નંદનવન વિસ્તારમાં પાછલા નવ વર્ષથી સિકંદર હાલા નવરાત્રીના નવ દિવસ સુધી માં જગદંબાના ગરબાનુ આયોજન કરે છે. જેમાં આ વિસ્તારની નાની બાળાઓ પ્રાચીન ગરબા કરીને નવરાત્રીની અનોખી ઉજવણી કરે છે. માં આધ્યા શક્તિ ગરબા મંડળની સ્થાપના કર્યા બાદ પાછલા નવ વર્ષથી સિકંદર હાલા કોમી એકતા નું આદર્શ ઉદાહરણ બની રહ્યા છે. જેને આસપાસના વિસ્તારના લોકો પણ ખૂબ જ આવકારદાયક માની રહ્યા છે. સિકંદર હાલા ધર્મથી મુસ્લિમ છે પરંતુ તે નવરાત્રી ના નવ દિવસો દરમિયાન ગરબાનું આયોજન કરે છે. જેને આ વિસ્તારના અન્ય ધર્મના લોકો પણ ખૂબ જ પ્રેરણાદાયક માની રહ્યા છે.
સર્વ ધર્મ સમભાવની ભાવના : જૂનાગઢનો નંદનવન વિસ્તાર માં આદ્યશક્તિ ગરબી મંડળ ના નામથી થકી કોમી એકતાના વિસ્તાર તરીકે પણ જૂનાગઢમાં ઓળખાય છે. દર વર્ષે અહીં પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. જેમાં નાની બાળાઓ ગરબે રમે છે. નવ દિવસ દરમિયાન ગરબાના આયોજન પાછળ થતા ખર્ચ ગરબા જોવા માટે આવતા વ્યક્તિ દ્વારા ફાળો આપવામાં આવે અને તેમાં વધારાનો જે કંઈ પણ ખર્ચ થાય છે. તે તમામ ખર્ચ સિકંદર હાલા વ્યક્તિગત રીતે ઉઠાવીને માત્ર કોમી એકતા જ નહીં પરંતુ કોઈ પણ ધર્મના આયોજનમાં શારીરિક માનસિક અને આર્થિક રીતે કોઈ પણ વ્યક્તિએ જોડાવું જોઈએ તેનો સંદેશો પણ આપે છે.
અન્ય ધર્મના લોકોએ પણ આવકાર્યો : આ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ મજમુદાર પણ સિકંદર હાલાના આ પ્રયાસને ખૂબ જ આવકાર્યો છે અને જણાવ્યું હતું કે સિકંદર હાલા પોતે ધર્મથી મુસ્લિમ હોવા છતાં પણ પાછલા નવ વર્ષથી આ વિસ્તારમાં ગરબાનું આયોજન કરે છે. જેના પાછળ આ વિસ્તાર આજે કોમી એકતા ના વિસ્તાર તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યો છે. કોઈ પણ ધર્મના લોકોએ આજ પ્રકારે અન્ય ધર્મના ધાર્મિક આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ સિકંદર હાલા એતેનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે તે પાછલા નવ વર્ષથી દર વર્ષે નવરાત્રીના નવ દિવસો દરમિયાન ગરબાનું આયોજન કરે છે. તેની પાછળ તેમનો એક માત્ર ધ્યેય સર્વ ધર્મ સમભાવ અને કોમી એકતા નું વાતાવરણ સતત મજબૂતાઈ પૂર્વક આગળ વધે તે માટેનો છે. તેઓ સતત આજ પ્રકારે ગરબાનું આયોજન કરીને કોમી એકતાનું દ્રષ્ટાંત વધુ મજબૂત બને તે માટે સતત આયોજન કરતા રહેશે.