છેલ્લા એક મહિનામાં જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી અંદાજિત ૨ કરોડ કરતા પણ વધુનો ગેરકાયદે ઘુસાડવામાં આવેલો પણ પ્રાંતીય બનાવટનો દારૂ પકડી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે.
હાલ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીલખાથી જુનાગઢ તરફ આવતા ધણકેડા ગામ નજીક બિનવારસી હાલતમાં પડેલા એક ટોરસ ટ્રકમાં તપાસ કરતા પોલીસને તેમાંથી 900 પેટી પરપ્રાંતીય બનાવટનો દારૂ મળી આવ્યો હતો. કર્ણાટક પાર્સિંગ ધરાવતો ટ્રક નંબર KA 40 6703 ટ્રક ધણકેડા ગામ નજીક બિનવારસી હાલતમાં પડેલો જોવા મળતા પોલીસે તેમાં તપાસ કરતા ભંગારના રેફ્રિજરેટરની નીચે છૂપાવવામાં આવેલો પરપ્રાંતિય દારૂ મળી આવ્યો હતો. જેને બીલખા પોલીસે જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતા ખુબ મોટી સંખ્યામાં પરપ્રાંતીય દારૂ છેવાડાના ગામો સુધી પહોંચી જાય છે. આ બુટલેગરોની કીમિયાગીરી હશે કે પછી રાજ્યની ચેકપોસ્ટ પર લોલમલોલ ચાલતું હશે. તેને કારણે આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂની પેટીઓ ગુજરાતના છેવાડાના ગામ સુધી પહોંચી જાય છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો પરપ્રાંતીય દારૂ પોલીસની સતર્કતા અને કર્મનિષ્ઠને કારણે પકડાઈ જાય છે. પરંતુ દારૂના ગેરકાયદે વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો અને તેમની ટીમની કીમિયાગીરીથી કેટલોક દારૂ બુટલેગરોના અડ્ડાઓ સુધી પહોંચી જતો હોય છે. જો રાજ્યની તમામ ચેકપોસ્ટ પર કર્મનિષ્ઠ અધિકારી અને કર્મચારીઓને રાખવામાં આવે તો બાપુના ગુજરાત નશાબંધી યુક્ત છે. તેવું આપણે કહી શકીએ પરંતુ રાજ્યની ચેકપોષ્ટો પર ભ્રષ્ટાચારના જે છીડાઓ જોવા મળી રહ્યા છે. તેને લઈને ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા બુટલેગરો બેફામ બની રહ્યા છે.