જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. આવા સમયે આધુનિક સમયમાં સંચારની સાથે મનોરંજન માટેનું એકમાત્ર સાધન મોબાઇલ પ્રત્યેક પરિક્રમાર્થીઓ પાસે હાજર જોવા મળે છે. પરંતુ ગિરનારના પરિક્રમા પથ પર વીજળીનો પ્રવાહ નહીં હોવાને કારણે મોબાઇલ ચાર્જિંગ કરવાને લઈને પરિક્રમાથીઓ સમસ્યા ઉઠાવી રહ્યા હતા. પરંતુ સ્થાનિક નાના ઉદ્યોગકારો દ્વારા પરિક્રમાના પથ પર પેટ્રોલથી સંચાલિત જનરેટર દ્વારા મોબાઈલ ચાર્જિંગ વ્યવસ્થા ગીચ જંગલની વચ્ચે પરિક્રમાના માર્ગ પર શરૂ કરવામાં આવી છે.
એક કલાકમાં 30 મોબાઇલ ચાર્જ: પેટ્રોલથી સંચાલિત જનરેટર દ્વારા એક કલાકમાં 30 જેટલા મોબાઈલો ચાર્જ થઈ શકે છે. આ પ્રકારની વ્યવસ્થા જંગલમાં ખાનગી લોકો દ્વારા ઉભી કરવામાં આવી છે. મોબાઇલ ચાર્જિંગ માટે આવતા પ્રત્યેક પ્રવાસીઓને મોબાઈલ ચાર્જિંગ માટે ટોકન નંબર આપવામાં આવે છે અને એક કલાકની અંદર કોઈપણ મોબાઇલ 0થી લઈને 100 ટકા ચાર્જ થઈ જાય તે માટે મોબાઈલ દીઢ 30 રૂપિયા લેવામાં આવે છે.
ગીચ જંગલની વચ્ચે આ પ્રકારની વ્યવસ્થા લાભકારક છે. જ્યાં વીજળીનો પ્રવાહ શક્ય નથી ત્યાં જનરેટર મારફતે આધુનિક સમયમાં પરિવાર અને અન્ય લોકો સાથે સંપર્કમાં રહી શકાય તેમજ પરિક્રમાના સંસ્મરણો કેમેરામાં કેદ કરી શકાય તે માટે પણ મોબાઇલની બેટરી ચાર્જ હોવી જરૂરી છે જે સુવિધા હવે જંગલમાં કેટલાક ખાનગી લોકો દ્વારા પૂરી પાડવામાં આવી છે તે ખૂબ જ આવકારદાયક છે. - નીતિનભાઈ અકબરી, પરિક્રમાર્થી
જંગલમાં લોકોની મોબાઇલ ચાર્જિંગની સુવિધા જાળવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ એક કલાકમાં 30 જેટલા મોબાઇલની બેટરી સો ટકા ચાર્જ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મોબાઇલની અદલાબદલી કે અન્ય વ્યક્તિ મોબાઇલ ન લઈ જાય તે માટે તેમને ટોકન નંબર પણ આપવામાં આવે છે અને તેના બદલામાં પ્રત્યેક મોબાઇલ ધારક પાસેથી ચાર્જિંગના દર પેટે 30 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. - રાજુભાઈ, મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન ચલાવનાર