- જૂનાગઢ જિલ્લામાં નદીઓના પ્રદૂષણ સામે શરૂ થઈ રહી છે બિનરાજકીય ચડવડ
- હિતરક્ષક સમિતિ દ્વારા શરૂ કરાયું મહા અભિયાન
- ખેડૂત અને નદી બચાવો સમિતિ દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ
જૂનાગઢઃ જિલ્લામાં 47 ગામડાઓમાં જેતપુરના ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતા પ્રદૂષણને લઈને આગામી 4 જાન્યુઆરી સુધીમાં નદી બચાવો અભિયાન તથા ખેડૂત હિત રક્ષક, નદી બચાવો સમિતિ દ્વારા જન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમિતિના સદસ્યો જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 47 જેટલા પ્રભાવિત ગામોની મુલાકાત લઈને નદીઓમાં થઈ રહેલા પ્રદૂષણ વિરુદ્ધ જન જાગૃતિ ફેલાવીને પ્રદૂષણ સામે લડતના મંડાણ કરવાના ભાગરૂપે આ અભ્યાન આજથી શરૂ કરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં વિધિવત મહા અભિયાનનો થશે પ્રારંભ
જૂનાગઢ જિલ્લાની સ્થાનિક અને મોટી કહી શકાય તેવી ભાદર અને ઉબેણ નદી જેતપુરના ઔદ્યોગિક એકમો દ્વારા સતત પાછલા કેટલાય વર્ષોથી પ્રદૂષિત કરવામાં આવી રહી છે જેને ધ્યાને રાખીને હવે જૂનાગઢ જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિ અને નદી બચાવો સમિતિ દ્વારા જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 47 જેટલા ગામોમાં જન જાગૃતિ અભિયાનની આજથી શરૂઆત કરી છે. આગામી 4 જાન્યુઆરી સુધીમાં જન જાગૃતિ અભિયાનના સભ્યો ગામોમાં ફરીને પ્રત્યેક લોકોને પ્રદૂષણ અંગે માહિતગાર કરીને તેની સામે પ્રતિકાર કરવા માટે પ્રોત્સાહિત કરશે.
પ્રદૂષણ સામે હાથ ધરાશે મહા જન જાગૃતિ અભિયાન
જૂનાગઢ જિલ્લા ખેડૂત અને નદી બચાવો સમિતિ દ્વારા આગામી 7 જાન્યુઆરીથી જૂનાગઢ જિલ્લાની નદીઓના પૂજનની સાથે પ્રદૂષણ સામે મહા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સાતમી તારીખે ધંધુસર નજીકથી પસાર થતી ઉબેણ નદીના તટ પર નદીના પુજનનું આયોજન કરીને પ્રદૂષણમુક્ત નદીઓના મહા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ આ આંદોલન જૂનાગઢ જિલ્લાના પ્રત્યે ગામોમા પહોંચીને નદીઓને પ્રદુષિત કરતા એકમો સામે ગામલોકો અને ખેડૂતોને એકજૂટ કરીને સમગ્ર પ્રદૂષણ પર હલ્લાબોલ કરવાની યોજના પણ બનાવવામાં આવશે.